September 28, 2024

મહેસાણાની દીકરી પર NRI પતિનો અમાનુષી અત્યાચાર, વીડિયો જોઈ માતા-પિતા હચમચી ઉઠ્યા

મહેસાણા: NRI મુરતિયા સાથે દીકરી પરણાવવાની ખેવના ક્યારેક ભારે પણ પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા NRI મુરતિયા સાથે લગ્ન કરનાર મહેસાણાની એક દીકરીની જિંદગી દોજખ બની ગઈ છે. દીકરી ઉપર પતિ દ્વારા અસહ્ય યાતના ગુજારતાં દીકરીએ મોકલેલ વીડિયો મેસેજથી મહેસાણા ખાતે વસવાટ કરતા માતા-પિતા હચમચી ઉઠ્યા છે. દીકરીને NRI મુરતિયા સાથે પરણાવવાનું એક સમયે આ માતા-પિતા ગૌરવ લેતા હતા. આજે એ જ એવી અપીલ કરી રહ્યા છે કે દીકરીઓને વિદેશમાં પરણાવતા પહેલા સો વખત વિચારજો.

મૂળ મહેસાણાના અને હાલમાં ભુજ ખાતે વસવાટ કરતાઅમરીશભાઈ અને સરિતાબેન જાદની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને તેનું કારણ તેમની દીકરી સ્નેહલ મકવાણાએ ઓસ્ટ્રેલિયાથી મોકલેલો એક વીડિયો મેસેજ છે. વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલા અને તેમના જ સમાજના ઉરેન મકવાણા નામના યુવાન સાથે દીકરીના લગ્ન કરાવ્યા હતા. દીકરી સ્નેહલ શિક્ષક તરીકે નોકરી કરતી હતી. લગ્ન થતા પતિએ નોકરી છોડાવી દીકરી સ્નેહલને ઓસ્ટ્રેલિયા લઈ ગયો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ એક દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ ઉરેન મકવાણાનું વર્તન બદલાઈ ગયું. સ્નેહલને સતત મારઝૂડ કરવા લાગ્યો. આ કારણે વર્ષ 2023માં સ્નેહલનો હોઠ તૂટી ગયો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. દીકરીએ ઓસ્ટ્રેલિયા પોલીસમાં કેસ કર્યો. આ બાદ પતિ-પત્નીના સબંધ સંપૂર્ણ બગડી ગયા, હવે સ્નેહલ જે મકાનમાં વસવાટ કરે છે, એ મકાન ખાલી કરવા સતત ધમકીઓ અપાઈ રહી છે. બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલ સતત ડરી ગઈ છે અને તેણે એક વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે, આ વીડિઓ જોઈ મહેસાણા ખાતે રહેતા માતા-પિતા દીકરીની ચિંતામાં અડધા થઈ ગયા છે.

વીડિઓ જોઈ મહેસાણા ખાતે રહેતા માતા-પિતા દીકરીની ચિંતામાં અડધા થઈ ગયા.

માતા-પિતા ભારતમાં હોવાથી દીકરી માટે કઈ કરી શકતા નથી. તેમણે આ બાબતે ઉરેન મકવાણાના માતા-પિતાને પણ જાણ કરી તો ઉરેનના માતા-પિતાએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. હવે આ દીકરીના માતા પિતા લાચાર બની ગયા છે. કોને ફરિયાદ કરવી અને ક્યાં ફરિયાદ કરવી તેની મુંઝવણમાં સતત દ્વિધામાં રહેતા દીકરીના માતા-પિતાએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરી દીકરીને ઓસ્ટ્રેલિયામાં રક્ષણ આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: ખેલૈયાઓ, આ નવરાત્રી મન મૂકીને ગરબા રમજો: સરકારે કરી મોટી જાહેરાત

બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં એકલી સ્નેહલને સતત ધમકીઓ મળી રહી છે. આ કારણે તે કોઈ કામ પણ નથી કરી શકતી. તો ભારતમાં પણ નોકરી છોડી દેતા પરત આવી શકે તેમ નથી. આ સંજોગોમાં હવે શું કરવું તે સવાલ દીકરીના માતા-પિતાને સતત કોરી ખાઇ રહ્યો છે. આ માતા-પિતા એટલું જ કહે છે કે કોઈ પોતાની દીકરીને જોયા જાણ્યા વગર NRI જોડે પરણાવશો નહીં.