October 5, 2024

જામનગરની મોદક સ્પર્ધામાં એક ભાઈ આરોગી ગયા 12 લાડુ

સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં અનોખી મોદક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલા સ્પર્ધામાં એક ભાઈ 12 લાડુ ઝાપટી ગયા હતા. તો, 9 લાડું ખાઈ એક મહિલા અને 5 લાડુ ખાઈ એક બાળકે પ્રથમ નંબરે મેળવ્યો હતો. જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું સતત 15માં વર્ષે આયોજન કરાયું હતું.

જામનગર શહેરના ભાટની આંબલી વિસ્તારમાં આવેલ ગીરીનારાયણ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માત્ર જામનગર જ નહિ આજુબાજુના શહેર લાલપુર, જામજોધપર સહિતના સ્થળોએથી પણ સ્પર્ધકો ભારે ઉત્સાહભેર જોડાયા હતા. આયોજકો દ્વારા ખાસ અંદાજે 100 ગ્રામ ના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શુદ્ધ ઘી અને દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મોદક સ્પર્ધામાં 33 પુરુષો અને 6 બહેનો 6 તથા 10 બાળકો સહિત 49 સ્પર્ધકો જોડાયા હતાં. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ભાઈઓમાં સવજીભાઈ મકવાણા 12 મોદક ઝાપટી ગયા હતા. જ્યારે બહેનોની સ્પર્ધામાં પદ્મિનીબેન ગજેરા 9 મોદક ખાઈ ગયા હતા અને બાળકોમાં આયુષ ઠાકરએ 5 મોદક આરોગી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

મોદક સ્પર્ધા અંગે આયોજક આનંદભાઈ દવેએ જણાવ્યું હતું કે આજની સ્પર્ધામાં શુદ્ધ ધીનાં લાડુ અને દાળ રાખેલ હતા.જેમાં ભાઈઓમાં સવજીભાઈ મકવાણા 12 મોદક આરોગીને પ્રથમ સ્થાને રહ્યા હતા. પ્રથમ આવતા અભિનંદન સાથે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા.તેઓએ કહ્યું કે ફાસ્ટ ફૂડ ના જમાનામાં આજની પેઢી શુદ્ધ ઘી ગોળથી બનેલા ગુણકારી લાડુ ખાતા થાય તે માટેના ઉપદેશથી આયોજન કરવામાં આવ્યું હતું.