March 15, 2025

અશાતં આસામને મોદી સરકારે કર્યું શાંત, અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Amit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામના ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું કે મોદી સરકારે અશાંત આસામને શાંત પાડ્યું. અહીં માળખાગત સુવિધાઓનો વિકાસ કર્યો અને ઉત્તર-પૂર્વીય રાજ્યના યુવાનો માટે રોજગાર સુનિશ્ચિત કર્યો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આસામમાં પોલીસ પહેલા આતંકવાદીઓ સામે લડવા માટે હતી પરંતુ હવે તે લોકોને મદદ કરવા માટે છે. આ કારણે છેલ્લા ત્રણ વર્ષમાં દોષિત ઠેરવવાનો દર 5 ટકાથી વધીને 25 ટકા થયો છે. તે ટૂંક સમયમાં રાષ્ટ્રીય સરેરાશને વટાવી જશે.

તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષ દરમિયાન, આસામમાં 10,000 થી વધુ યુવાનો શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે અને રાજ્યમાં શાંતિ પાછી આવી છે. શાહે કહ્યું કે મોદી સરકાર આસામમાં તાજેતરમાં યોજાયેલી બિઝનેસ સમિટમાં પ્રસ્તાવિત 5 લાખ કરોડ રૂપિયાના રોકાણ ઉપરાંત 3 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાવશે. લચિત બરફૂકન પોલીસ એકેડેમી આગામી પાંચ વર્ષમાં ટોચની એકેડેમી બનશે. જેમાં વિવિધ તબક્કામાં કુલ રૂ. 1050 કરોડનું રોકાણ થશે.

આ પણ વાંચો: રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગનો મામલો, ફાયર NOC છેલ્લા 10 વર્ષથી રિન્યૂ કરી નહોતી

દેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શાહે કહ્યું કે મેં આસામમાં કોંગ્રેસ સરકાર તરફથી લાઠીચાર્જનો સામનો કર્યો છે અને જેલનું ભોજન પણ ખાધું છે. હું મારા વિદ્યાર્થીકાળ દરમિયાન આસામ આવ્યો હતો. હિતેશ્વર સૈકિયા આસામના મુખ્યમંત્રી હતા. મેં આસામમાં 7 દિવસ જેલની રોટલી પણ ખાધી. આસામને બચાવવા માટે દેશભરમાંથી લોકો આવ્યા. આજે હું આસામ સરકારને અભિનંદન આપવા માંગુ છું. આજે આસામ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.