July 6, 2024

Monsoon 2024: ગુજરાતીઓ રેઇનકોટ જોડે જ રાખજો, IMDએ કરી સાર્વત્રિક વરસાદની આગાહી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આજે એક દિવસના વિરામ પહેલા છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં શ્રીકાર વરસાદ થયો છે. ત્યારે, આજે, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ એટલે કે 4થી 9 જુલાઇ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તો વધુમાં હવામાન વિભાગએ જણાવ્યું છે કે 1 જૂનથી 3 જુલાઇ દરમિયાન સરરશ 7 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 144 મીમી વરસાદ નોંધાયો છે.

તો, રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો, આજે દમણ, દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે, આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વધુમાં, હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો, આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.