December 21, 2024

“બાળકો બોસ બને કે કંપની ખોલે, તેવું…” મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીને હાઇકોર્ટની ટકોર

Morbi Bridge Collapse Case: મોરબીની ગોઝારી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પીડિત પરિવારો અને ખાસ કરીને વાલી અથવા માતા કે પિતા ગુમાવનાર બાળકોના ભવિષ્ય માટે અનેક સંવેદનાઓવાળી ટકોર કરી હતી. જેમાં, બાળકોના શિક્ષણથી લઇને લગ્ન અને કરિયર સુધીની બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અંતમાં પીડિતોના પરિવારના વકીલની માગ પર આગામી મુદ્દતે SIT રિપોર્ટ પર સુનાવણી કરવા પણ કહ્યું હતું

આજે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ કોર્ટ કમિશનર એશ્વર્યા ગુપ્તાએ મોરબી ખાતે 7 દિવસ પીડિત પરિવારોની મુલાકાત લઇ વન ટુ વન મુલાકાત બાદ હાઇકોર્ટ સમક્ષ 2 ભાગમાં અહેવાલ રજૂ કર્યો હતો. અગાઉની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઇકોર્ટ સુનીતા અગ્રવાલ દ્વારા 2 કોર્ટ મિત્ર સાથે કોર્ટ કમિશનર તરીકે ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરતા કહ્યું હતુ કે તમે હાઇકોર્ટના આંખ અને કાન છો. તમારે પીડિત પરિવારોની મુશ્કેલીઓ અને તેઓ શું ઇચ્છી રહ્યાં છે એ અંગે રૂબરૂ મુલાકાત કરી એક અહેવાલ કોર્ટ સમક્ષ રાખવામાં આવે ત્યારે આજે ઐશ્વર્યા ગુપ્તા દ્વારા 2 ભાગમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

“કોર્ટ કમિશનરનો રિપોર્ટ”
કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તા દ્વારા તમામ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં વાલી અથવા માતા કે પિતા ગુમાવનાર બાળકોની સ્થિતી અને હાઇકોર્ટના નિર્દેશો પર મળી રહેલી મદદ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટ કમિશનર દ્વારા જણાવાયુ હતુ કે દુર્ઘટનામાં કુલ 21 બાળકો અનાથ થયા છે. આ 21 બાળકોમાં 8 છોકરીઓનો પણ સમાવેશ થાય છે અને તેમણે 4 છોકરીઓ સાથે રૂબરૂ વાતચીત પણ કરી હતી જેમાંથી એક યુવતીની ઉંમર 17 વર્ષ છે બાકીની 3 છોકરીઓની ઉંમર ખુબ નાની છે. કોર્ટ કમિશનરના રિપોર્ટમાં બાળકોની સ્કૂલ ફી, કોર્પસના ખાતાઓમાં જમા થયેલી રકમ, બાળકોના ગાર્ડિયન સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

“કોર્ટની અનાથ બાળકોના ભવિષ્ય અંગે સંવેદનશીલ ટકોર”
કોર્ટ કમિશનરના રિપોર્ટ પર સુનાવણી કરતા હાઇકોર્ટ દ્વારા અનાથ બાળકોના ભવિષ્યને લઇને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાઇકોર્ટે સંવેદનશીલતા સાથે એ વાત ટાંકી હતી કે અનાથ થયેલા બાળકોના શિક્ષણ સાથે તેમના લગ્નની પણ જવાબદારી ઓરેવા કંપનીએ ઉઠાવવી પડશે. કોઇ પણ પિતા માટે તેમની છોકરીઓના લગ્નની જવાબદારી મહત્વની હોય છે. જો આ 8 બાળકીઓના પિતા જીવતા હોત તો તે લગ્નનો તમામ ખર્ચ ઉઠાવેત પરંતુ હવે તમામના શિક્ષણ સાથે સાથે લગ્નનો પણ ખર્ચ કંપનીએ ઉઠાવવો પડશે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટતા કરતા એ પણ કહ્યું કે લગ્ન એટલે સામુહિક લગ્ન નહીં

“બાળકો તમારા બોસના પણ બોસ બની શકે છે”
ચીફ જસ્ટિસ સુનાવણી દરમિયાન ઓરેવા કંપની અને તેમના વકીલના વર્તનથી પણ નારાજ થયા હતા અને ઓરેવા કંપનીના વકીલની દલીલ પર હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતુ કે અમે સુઓમોટો પીટિશન પર સુનાવણી કરી રહ્યાં છે છતા પણ તમારો પ્રત્યુત્તર સાંભળી રહ્યાં છીએ. સુઓમોટો પીટિશન પર દર વખતે તમે ઇન્સ્ટ્રક્શન લેવાની દલીલ ન રજૂ કરી શકો. અમે તમને નિર્દેશ આપી રહ્યાં છીએ. તમારે પીડિતોની સંવેદનશીલતાને ધ્યાને લેવી જોઇએ. હાઇકોર્ટે ઓરેવા કંપનીને હુકમ કરતા કહ્યું કે તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ ભોગવવો પડશે. પ્રોફેશનલ કોર્ષ માટે પણ કંપનીએ ખર્ચ ઉઠાવવો પડશે. બાળકોને જે ફિલ્ડમાં અભ્યાસ કરવો હશે એ કરશે. એ વકીલ પણ બનવા માગે તો ખર્ચ કરવો પડશે. એ તમારા બોસના પણ બોસ બનવા માગે તો એ પ્રકારનુ શિક્ષણ આપવુ પડશે એ તમારી જવાબદારી છે. એ તમારી જેમ કંપની પણ સ્થાપી શકે છે.

“અનાથ બાળકોને મળતા ફંડના હકદાર કોણ?”
સુનાવણી દરમિયાન પીડિત પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરીને આવેલા કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તા દ્વારા એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે હાલ જે કોર્પસ છે તેમના ખાતામાં માસિક રૂ. 12 હજારની રકમ જમા થઇ રહીં છે સાથે જેમણે વાલી અથવા માતા કે પિતામાંથી કોઇ એક ગુમાવ્યા છે તે સગીર બાળકના બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ રહીં છે. ,, તો તેમાં સિગ્નેટરી એટલે કે નાણા લેવાનો હક્ક કોનો એ વાત હજૂ સુધી સ્પષ્ટ નથી થઇ જેથી કેટલીક મુશ્કેલીઓ પણ ઉભી થઇ રહીં છે. કોર્ટ કમિશનરે એક ઉદાહરણ ટાંકતા જણાવ્યુ હતુ કે એક દુર્ઘટનામાં પોતાના પતિ ગુમાવનાર મહિલાના બાળકને બેંક એકાઉન્ટમાં મદદ મળી રહીં છે ત્યારે તે રકમના હકદાર તે માતા છે કે મહિલાના સાસુ સસરા. આ કિસ્સામાં હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે એ વિધવા મહિલા જ સિગ્નેટરી ગણાય સાસુ સસરા નહીં. આવી તમામ બાબતોમાં મોરબી કલેક્ટરને પણ નિર્દેશ અપાયા હતા કે જ્યા આ પ્રકારના પ્રશ્નો ઉદભવે તો કલેક્ટરની જવાબદારી છે કે તે પીડિતોની મુંઝવણ દૂર કરે

“15 લાખ નહીં 50 લાખ”
સુનાવણી દરમિયાન હાઇકોર્ટ સમક્ષ એ વાત રજૂ કરાઇ કે જેટલા કોર્પસ છે તે તમામના ખાતામાં શિક્ષણ અને મેડિકલ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે જેના પર આશ્ચર્ય વ્યક્ત કરતા હાઇકોર્ટે કહ્યું હતુ કે 15 લાખની રકમ પુરતી નથી ઓછામાં ઓછા 50 લાખની રકમ તો હોવી જ જોઇએ. અનાથ બાળકોની ફિ બાબતે પણ કોર્ટ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે યોગ્ય કોમ્યુનિકેશનના અભાવના કારણે કેટલાક કિસ્સાઓમાં અનાથ બાળકો તરફથી પણ સ્કૂલની ફી ભરવામાં આવી છે અને ઓરેવા કંપની દ્વારા પણ ફી ભરવામાં આવી છે. હાઇકોર્ટે મોરબી કલેક્ટરને નિર્દેશ આપ્યો હતો કે કલેક્ટર એ સુનિશ્ચિત કરે કે કોઇપણ બાળકની ફી તેમના પરિવાર પાસેથી ન લેવામાં આવે. અમે સ્પષ્ટ નિર્દેશ આપી ચૂક્યા છે કે બાળકોની શિક્ષણ માટેની ફી ઓરેવા કંપની જ ચૂકવશે

“ડિઝેબલ બનેલ વ્યક્તિને ઓરેવાએ નોકરી ન આપી”
કોર્ટ કમિશનર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે જે વ્યક્તિ પીડિત છે અને દુર્ઘટના પહેલા નોકરી કરી રહ્યાં હોય અને ડિઝેબિલીટી આવી હોય તો ઓરેવા કંપનીએ નોકરી આપવી પડશે પરંતુ બ્રિજ દુર્ઘટનામાં એક નોકરીયાત વ્યક્તિ 50% ડિઝીબલ થયા છે ત્યારે ઓરેવા કંપનીએ પોતાની કંપનીમાં પીડિત વ્યક્તિ માટે કોઇ નોકરી ન હોવાનું કહીં નોકરી આપવાનો ઇન્કાર કરી દિધો હતો અને તે વ્યક્તિને માત્ર માસિક રૂ. 12 હજાર જ ચૂકવવામાં આવી રહ્યાં છે જ્યારે દુર્ઘટના પહેલા એ પીડિત વ્યક્તિ સિરામીક કંપનીમાં વધુ પગારે નોકરી કરી રહ્યો હતો આ ઘટના પર પણ હાઇકોર્ટે સખ્ત નારાજગી વ્યક્ત કરતા ઓરેવા કંપનીને ટકોર કરી હતી કે તમારે થોડી સંવેદના બતાવવી જોઇએ શું આ પીડિત વ્યક્તિ ડેસબોર્ડ પર બેસીને કામ કરી શકે તેવી વ્યવસ્થા પણ નથી. શું ઓરેવા કંપનીમાં કોઇ ડેસબોર્ડ જ નથી. તમારી કંપની તમારા બોસથી જ નથી ચાલતી. મોરબી સિટીના લોકોથી તમારી કંપની ચાલે છે.

“કોર્ટ કમિશનર કોર્ટ રૂમમાં ભાવુક થયા”
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તાની કામગીરીની સરાહના કરતા કહ્યું કે કોર્ટ કમિશનરે સારુ કામ કર્યુ છે તેઓએ ખુદ 7 દિવસ ત્યા રહીને પીડિતો સાથે મુલાકાત કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે ત્યારે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કોર્ટ કમિશનરને પુછ્યુ હતુ કે તમારો અનુભવ કેવો રહ્યો એ સમયે કોર્ટ કમિશનર ઐશ્વર્યા ગુપ્તા ભાવુક થતા બોલ્યા હતા કે એ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી. એક પીડિત પરિજન તો પોતાના સભ્યના મોબાઇલમાં દુર્ધટનાની પહેલાનો વીડિયો બતાવી રહ્યાં હતા જેમાં મૃતક હસી મજાક કરી રહ્યાં હતા તે હસી રહ્યાં હતા. તો મુલાકાત દરમિયાન કેટલાક વયસ્યક પરિજનોની આંખમાં આંસુ પણ હતા

“પીડિત પરિવારોએ તપાસ સામે સવાલ ઉઠાવ્યા”
હાઇકોર્ટમાં સુનાવણીના અંતે પીડિત પરિવારોના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા જે પ્રકારે તપાસ કરવામાં આવી છે તેને લઇ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા તેમણે તપાસ અધિકારી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતુ કે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી હતી પરંતુ તપાસ અધિકારી દ્વારા હજૂ સુધી કલેક્ટરનું નિવેદન પણ લેવામાં આવ્યુ નથી. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. SITના રિપોર્ટમાં જે જવાબદારોનો ઉલ્લેખ છે તેમની સામે યોગ્ય કાર્યવાહી નથી. દલીલોના અંતે હાઇકોર્ટ દ્વારા આગામી મુદ્દતે પીડિત પરિવારોની SIT રિપોર્ટ પર દલીલો સાંભળવાનું આશ્વાસન આપ્યુ હતુ અને આગામી સુનાવણી 6 અઠવાડિયા બાદ નિયત કરી