February 26, 2025

મચ્છરોના ઉપદ્રવને નાથવા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે, રાજકોટ મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ

ઋષિ દવે, રાજકોટ: શું ડ્રોન દ્વારા પણ મચ્છરોને મારી શકાય? તમને પણ આશ્ચર્ય થશે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. જેમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવશે. AI ટેકનોલોજી મારફત મચ્છરોના ઉદ્ભવ સ્થાનને શોધી તેના લારવા પર ડ્રોન વડે જ દવાઓનો છંટકાવ કરવામાં આવશે.

છેલ્લા 1 મહિનાથી રાજકોટની જનતા મચ્છરોના ત્રાસથી ત્રસ્ત બની છે. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારમાં વાહનોમાં નીકળવું મુશ્કેલ બન્યું છે. મહાનગરપાલિકાએ હવે AI ટેકનોલોજીનો સહારો લીધો છે અને આવતીકાલથી ડ્રોન મારફતે મચ્છરોના લારવા શોધવામાં આવશે અને તેના પર દવાઓનો છંટકાવ કરવામાં આવશે.

આવતીકાલથી AI ટેકનોલોજીના ઉપયોગ સાથે ડ્રોન દ્વારા મચ્છરોના લારવા પણ શોધીને તેના પર દવાઓનો છંટકાવ થનાર છે ત્યારે જ્યાં આરોગ્યકર્મીઓ નથી પહોંચી શકતા ત્યાં ડ્રોન પહોંચશે તે વાત ચોક્કસ છે. ઘરોની છતો પર પાણી ભરાયેલા સ્થાનો પર તેમજ ફળિયામાં પણ જો મચ્છરોના લારવા હશે તે AI ટેકનોલોજી દ્વારા આઇડેન્ટિટીફાઈ કરી તેનો નાશ કરાશે.