July 2, 2024

Mumbai Rain: મહારાષ્ટ્રમાં અનરાધાર! રેલવે વ્યવહાર અટક્યો, IMDએ આપ્યું વરસાદનું એલર્ટ

Mumbai Rain: મહારાષ્ટ્રમાં ગત દિવસોમાં ચોમાસાએ પધરામણી કરી દીધી હતી પરંતુ તેની ઝડપ ઘટતા સારો વરસાદ નહોતો થયો. પરંતુ હવે ફરીથી ચોમાસાએ રોકેટ ગતિ પકડી લીધી છે. જેની અસર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને અનેક શહેરોમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એવી બની ગઈ છે કે પાલઘરમાં ભારે વરસાદને કારણે દેહર્જે નદી પરનો એક પુલ ડૂબી ગયો હતો.

પુલ તૂટતાં પાલઘર અને મનોર વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. તો, પશ્ચિમ રેલવેના બોઇસર-ઉમરોલી સ્ટેશનો વચ્ચેની અપલાઇન અને ડાઉનલાઇન પર પાણી ભરાઈ ગયું હતું. જેને લઈને ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. અહી, મોટાભાગની ટ્રેનો 25થી 30 મિનિટ મોડી ચાલી રહી છે.

મુંબઈ થાણે અને ભિવંડીમાં પણ ચોમાસું ખુશનુમા બની ગયું છે. ગઇકાલ રાતથી જ ધોધમાર વરસાદને કારણે ભિવંડીના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. ભિવંડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે.

મુંબઈની વાત કરીએ તો અહી પણ હવામાન ખુશનુમા અને ઠંડુ થઈ ગયું છે. જુહૂ બીચ પર પર્યટકોનો જમાવડો થઈ ગયો છે. મોટા પ્રમાણમાં લોકો ખુશનુમા મૌસમની મજા માણવા સૈરસપાટા કરતાં જોવા મળી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આજે 20 જૂનના રોજ મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મુંબઈમાં આગામી 6 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 20 અને 21 જૂનના રોજ મુંબઈમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ત્યારબાદ 22 થી 25 જૂન દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન મહત્તમ તાપમાં 31થી 32 વચ્ચે રહેવાનું તો લઘુત્તમ તાપમાન 23 થી 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.