26/11ના હીરોએ સરકારને કહ્યું – તહવ્વુરને બિરયાની કે અન્ય સુવિધા આપ્યા વગર સીધો ફાંસીએ લટકાવજો!

Mumbai Terror Attack: 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ તેને અમેરિકાથી લાવી રહ્યા છે. ભારતમાં પગ મૂકે તે પહેલાં જ લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. 26/11 હુમલાના એક હીરોએ કહ્યું કે, ‘ભારતને આતંકવાદી કસાબની જેમ સેલ, બિરયાની કે અન્ય કોઈ સુવિધા આપવાની કોઈ જરૂર નથી. તેને સીધો જ ફાંસીએ લટકાવી દેવો જોઈએ.’ મુંબઈના આ ચા વેચનારાને ‘છોટુ’ ઉર્ફે મોહમ્મદ તૌફિક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન લોકોના જીવ બચાવ્યા હતા. તેમને મુંબઈ હુમલાનો હીરો માનવામાં આવે છે. તેમણે તહવ્વુર રાણાને ફાંસી આપવાની વાત કરી છે.

તેમણે સરકાર પાસે એવી પણ માંગણી કરી કે, આતંકવાદીઓ સાથે વ્યવહાર કરવા માટે અલગ કાયદા હોવા જોઈએ. રાણા પર 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવણીનો આરોપ છે, જેમાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ભારતમાં તેની સામે કાર્યવાહી થવાની અપેક્ષા છે.

‘2-3 મહિનામાં ફાંસી આપો’
26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે ચા વેચનારા મોહમ્મદ તૌફીક કે જે ‘છોટુ ચાય વાલા’ તરીકે જાણીતા છે, તેમણે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, ‘ભારતમાં કસાબને બિરયાની અને સુવિધાઓ આપવામાં આવી હતી, તેવો સેલ આપવાની કોઈ જરૂર નથી. આતંકવાદીઓ માટે અલગ કાયદો હોવો જોઈએ, એવી વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં તેમને 2-3 મહિનામાં ફાંસી આપવામાં આવે.’

અમેરિકામાં રાણાની અરજી ફગાવી દેવાઈ હતી
7 એપ્રિલના રોજ યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની ભારત પ્રત્યાર્પણ રોકવાની અરજી ફગાવી દીધી હતી. રાણાએ 20 માર્ચ, 2025ના રોજ ચીફ જસ્ટિસ રોબર્ટ્સ સમક્ષ એક કટોકટી અરજી દાખલ કરી હતી, જેમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માગ કરવામાં આવી.

160 લોકો માર્યા ગયા હતા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રાણા વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવાનો કેસ મૂળ નવેમ્બર 2008ના ઘાતક હુમલાના સંદર્ભમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. હુમલાઓ સંબંધિત કોઈપણ સ્થાનિક તપાસ માટે મુંબઈ પોલીસ તેની કસ્ટડી માગી શકે છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘પ્રત્યાર્પણના કારણોની તપાસ કર્યા પછી જ સ્પષ્ટ થશે કે આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કસ્ટડી માંગી શકાય છે કે નહીં.’