June 30, 2024

Mumbai: આઇસક્રીમમાંથી મળેલ આંગળી કોની હતી? પૂણે પોલીસે કર્યો ખુલાસો

Mumbai: મુંબઈમાં એક આઇસક્રીમમાંથી માણસની કપાયેલી આંગળી મળવા મામલે તપાસ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આંગળી આઇસક્રીમ ફેક્ટરીમાં કામ કરતાં એક કર્મચારીની હોઇ શકે છે. જોકે, આ વાતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી આપવામાં આવી. હાલ તો, FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પૂણે ખાતે આવેલ આઇસક્રીમ ફેક્ટરીનું લાયસન્સ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રદ્દ કરી દીધું છે.

કપાયેલી આંગળી ફેક્ટરીના કર્મચારીની હોઇ શકે!

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કપાયેલી આંગળી યમ્મો આઇસક્રીમમાં કામ કરતાં એક કર્મચારીની હોઇ શકે છે. એક મીડિયા અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે કંપનીની ફેક્ટરીમાં તાજેતરમાં એક કર્મચારી સાથે કે દુર્ઘટના થઈ હતી અને તેને આંગળીમાં ઇજા થઈ હતી. હવે પોલીસને શંકા છે કે આઇસક્રીમમાંથી મળી આવેલ આંગળી આ કર્મચારીની હોઇ શકે છે.

હાલ ચાલી રહ્યો છે DNA લેબ ટેસ્ટ 

હાલ તો, ફોરેન્સિક લેબમાં DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. મલાડના ઓર્લેમમાં રહેતા એક ડૉક્ટર બ્રેંડન ફૈરાઓએ આઇસક્રીમ મંગાવી હતી, જેમાંથી એક આઇસક્રીમમાંથી માણસનું કપાયેલી આંગળી નીકળી હતી. કંપનીનું લાયસન્સ રદ્દ કરનાર FSSAIના અધિકારીઓએ ફેક્ટરીનું પણ મુલાકાત કરી હતી.

શું કહ્યું ડોક્ટરે?

ઓનલાઈન એપ દ્વારા ત્રણ આઇસક્રીમ મંગાવનાર ફૈરાઓ જ્યારે આઇસક્રીમની મજા લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને કોઈ મોટી વસ્તુ ચવતા હોવાનું અનુભવાયું, પહેલા તો તેમને લાગ્યું કે તે બદામ જેવુ કઈ હશે, પરંતુ બાદમાં જોયું તો આંગળી હતી. બાદમાં તેમણે આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી.