November 23, 2024

સુરતમાં હત્યાનો ભેદ ઉકેલાયો, સચિન પોલીસે કરી લેબર કોન્ટ્રાકટરની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાં સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 13 ઓગસ્ટ 2024ના રોજ રવિન્દ્ર પાટીલ નામના યુવકની અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં માથા કપાળના ભાગે હત્યારાએ મૃતકને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટનાને લઇ સચિન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 13 ઓગસ્ટના રોજ સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શિલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા રવિન્દ્ર પાટલી હત્યાની ઘટના સામે આવી હતી. રવિન્દ્ર મુળ મહારાષ્ટ્રનો વતની હતો અને અજાણ્યા ઈસમ દ્વારા રવિન્દ્રને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને સચિન પોલીસ દ્વારા અજાણ્યા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યારે સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સના આધારે હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવીન્દ્ર પાટીલની હત્યા કરનાર જીતેન્દ્ર રાણે નામના ઈસમની ધરપકડ કરી છે આરોપી લેબર કોન્ટ્રાક્ટર છે.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી જીતેન્દ્ર અને મૃતક રવિન્દ્ર પાટીલ બંને મિત્રો હતા. આ બંને મિત્રો વચ્ચે કોઈ અજાણી સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવા જવાની વાત થઈ હતી. ત્યારબાદ બંને મકાન પર ગયા હતા અને તે સમયે આરોપી જીતેન્દ્રએ રવિન્દ્ર પાટીલને સ્ત્રીને રૂમમાં લઈ આવવાની વાત કરી હતી. તે સમયે રવિન્દ્ર પાટીલ દ્વારા જીતેન્દ્રને તેની પત્નીને રૂમમાં લઈ આવવાનું કહ્યું હતું અને આ વાતને લઈ જીતેન્દ્ર અને રવીન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં જીતેન્દ્રએ રોષે ભરાઈને ગેસનો બાટલો રવીન્દ્રના માથાના ભાગે માર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાના કારણે રવીન્દ્ર પાટીલનું મોત થયું હતું. રવીન્દ્રના મોત બાદ જીતેન્દ્ર રાણે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.