December 23, 2024

સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ, ભાજપના કાઉન્સિલર સહિત ઓપરેટરની અટકાયત

nadiad ration shop cheating bjp councillor and operator detained

સસ્તા અનાજની દુકાનનો સંચાલક

નડિયાદઃ સમગ્ર રાજ્યમાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોય છે. ત્યારે નડિયાદની એક સસ્તા અનાજની દુકાનમાંથી મોટા પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ મામલતદાર પાસે પહોંચી હતી. જેને લઈને મામલતદારે સ્થળે હાજર રહીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરરીતિ મળી આવી હતી. ત્યારે આ મામલે મામલતદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, નડિયાદમાં ભાજપના કાઉન્સિલરની દુકાનમાં ગેરરીતિ સામે આવી છે. સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થવાની ફરિયાદો પહોંચી હતી. ત્યારે રાજ્ય પુરવઠા વિભાગે સંજય સચદેવની સસ્તા અનાજની દુકાને જઈને સપાટો બોલાવ્યો હતો. આ તપાસ દરમિયાન તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સંજય સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર છે. આ ઉપરાંત તેઓ સસ્તા અનાજની દુકાનના સંચાલક એસોસિએશનના પ્રમુખ પણ છે.

ત્યારે આ મામલે કાઉન્સિલર સંજય સચદેવ સહિત દુકાન ઓપરેટરને નડિયાદ ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. રાજ્યકક્ષાની ટીમે દુકાનમાંથી ફિંગર પ્રિન્ટનો ડેટા મળી આવ્યો હતો. આ ઉપરાંત 23 જેટલા રેશનકાર્ડનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

રાજ્ય પુરવઠા વિભાગની ટીમે જથ્થાની ગણતરી કરાવતા તેમાં વિસંગતતા જોવા મળી હતી. દુકાનમાં પડેલા ઘઉં, ચોખા, બાજરી, મોરસ, ચણાના જથ્થામાં વધઘટ જોવા મળી હતી. ત્યારે આ સમગ્ર મામલે મામલતદાર પોતે ફરિયાદી બન્યા છે અને કાઉન્સિલર સહિત ઓપરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.