December 12, 2024

NAFEDની ચૂંટણીમાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ જીત્યા

અમદાવાદઃ NAFEDની ચૂંટણીમાં સાંસદ મોહન કુંડારિયાની બિનહરીફ જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ઉમેદવારો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. કારણ કે, આ ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી કોઈ મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું. તેને લઈને ભાજપના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેને લઈને આખરે બેઠક યોજવામાં આવી હતી અને મોહન કુંડારિયાના નામ પર સર્વસંમતિ સાધાઈ હતી. તેથી ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.

IFCCOની ચૂંટણીમાં વિવાદ ઉભો થયો હતો
ભાજપે IFFCOની ચૂંટણીમાં મેન્ડેટ આપ્યો હતો અને ત્યારબાદ મસમોટો વિવાદ થયો હતો. ભાજપના કાર્યકર્તાઓ અંદરોઅંદર બાખડી પડ્યા હતા. ખૂબ નિવેદનબાજી પણ થઈ હતી. અંતે તેમાં ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. જ્યારે ચેરમેન પદે દિલીપ સાંઘાણીની બિનહરીફ જીત થઈ હતી.

ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત થઈ
તાજેતરમાં જ 7 મેના રોજ 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ સહકારી સંસ્થાના ડિરેક્ટર (IFFCO Election Director) ઉમેદવાર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાદડિયાને 113 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપના આ બંને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી.