March 19, 2025

CM ફડણવીસે નાગપુર હિંસાને સુનિયોજિત હુમલો ગણાવ્યો, કહ્યું-કાયદો હાથમાં લેવાની પરવાનગી નથી

Nagpur Violence: સોમવારે રાત્રે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી, ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવો પડ્યો. આ મુદ્દા પર આજે સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું. વિધાનસભામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “નાગપુરમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ પ્રદર્શન કર્યું. કોઈને પણ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાની પરવાનગી નથી.” તેમણે વધુમાં કહ્યું કે પોલીસ પર હુમલા સહન કરવામાં નહીં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

‘ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી’
મંગળવારે નાગપુર હિંસા અંગે માહિતી આપતાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “સવારે 11:30 વાગ્યે, VHP અને બજરંગ દળ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. તે દરમિયાન ઘાસથી બનેલી પ્રતીકાત્મક કબર સળગાવવામાં આવી. પોલીસે બપોરે આ મામલે કેસ પણ નોંધ્યો હતો. સાંજે એક અફવા ફેલાઈ ગઈ કે જે પૂતળાને બાળવામાં આવ્યું હતું તેના પર કંઈક ધાર્મિક લખાણ હતું.

‘33 પોલીસકર્મી ઘાયલ’
તેમણે કહ્યું કે લગભગ 200 લોકોએ હિંસા કરી અને અનેક વાહનોને આગ ચાંપી દીધી. આ ઘટનામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં ત્રણ ડીસીપીનો પણ સમાવેશ થાય છે. એક ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો છે. 11 પોલીસ સ્ટેશનની હદમાં કોમ્યુનિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પથ્થરો ભરેલી ટ્રોલી મળી આવી હતી. પોલીસે હથિયારો પણ જપ્ત કર્યા છે, જેનાથી તે એક સુનિયોજિત હુમલો હોવાનું જણાય છે. પોલીસ પર હુમલો સહન કરવામાં આવશે નહીં. આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

‘શાંતિ જાળવવી જોઈએ’
સીએમ ફડણવીસે કહ્યું કે છવા ફિલ્મે સંભાજી મહારાજનો ઇતિહાસ બહાર લાવ્યો. ‘છાવા’ ફિલ્મે ઔરંગઝેબ સામે લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે, છતાં પણ મહારાષ્ટ્રમાં બધાએ શાંતિ જાળવી રાખવી જોઈએ. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, હું દરેકને અપીલ કરું છું કે જો કોઈ રમખાણો કરાવવાનો પ્રયાસ કરશે, તો તેની જાતિ કે ધર્મ જોયા વિના તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.