July 7, 2024

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના નવા મુખ્યમંત્રી, સાંજે 5 વાગ્યે શપથ લેશે

ચંડીગઢ: કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. વિધાયક દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. બેઠક બાદ નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે તેમને ફૂલ આપીને અભિનંદન પાઠવ્યા હતા. નાયબ સૈની આજે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. વિધાયક દળની બેઠક પહેલા ગૃહમંત્રી અનિલ વિજ ગુસ્સે થઈને ચાલ્યા ગયા હતા. તેમને નાયબ સૈનીના નામ સામે વાંધો હતો. વિજ છ વખત ધારાસભ્ય બન્યા છે, પરંતુ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી.

કોણ છે નાયબ સૈની?
નાયબ સિંહ સૈની અંબાલાના મિર્ઝાપુર માજરાનો રહેવાસી છે. 2019માં આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ નાયબ સિંહ સૈની પાસે કુલ 33 લાખ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમની પત્ની પાસે 11 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ સાથે તેમની પાસે 2 લાખ 85 હજાર રૂપિયાની રોકડ પણ છે. એફિડેવિટમાં તેણે જણાવ્યું કે તેના પરિવારમાં તેની માતા કુલબંત કૌર, પુત્રી વંશિકા અને પુત્ર અનિકેત સૈની પણ સામેલ છે. પાંચ વર્ષ પહેલા તેની માતાના ખાતામાં 71 હજાર રૂપિયા હતા. જ્યારે પુત્રી વંશિકા પાસે 2 લાખ 93 હજાર અને પુત્ર પાસે 3 લાખ 29 હજાર રૂપિયા હતા. તેમની પત્નીના સેવિંગ એકાઉન્ટમાં 4 લાખ 70 હજાર રૂપિયા હતા. નાયબ સિંહના પોતાના બેંક ખાતામાં અઢી લાખ રૂપિયા હતા.

પ્રદેશ પ્રમુખ સુધીનો પ્રવાસ
વર્ષ 2002માં તેઓ યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા મહામંત્રી બન્યા. ત્યારબાદ વર્ષ 2005માં તેઓ અંબાલામાં યુવા મોરચા ભાજપના જિલ્લા અધ્યક્ષ રહ્યા હતાં. નોંધનીય છે કે નાયબ સિંહ સૈની વર્ષ 2009માં કિસાન મોરચા બીજેપી હરિયાણાના પ્રદેશ મહાસચિવ હતા. વર્ષ 2012માં તેઓ અંબાલાથી ભાજપના જિલ્લા અધ્યક્ષ હતા. વર્ષ 2014માં તેઓ નારાયણગઢ વિધાનસભાથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં, તેઓ હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી રહ્યા હતાં. તે જ સમયે, તેઓ વર્ષ 2019 માં કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી આજે કેન્દ્રીય નેતૃત્વએ તેમને પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.