July 4, 2024

રાયસીના હિલ પરથી Narendra Modiનું સંબોધન – આપણે સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા

નવી દિલ્હીઃ સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યુ કે, ‘18મી લોકસભા નવી ઉર્જા, યુવા ઉર્જા અને કંઈક હાંસલ કરવાના ઈરાદા સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પ્રથમ ચૂંટણી છે. 2047માં જ્યારે દેશ આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે, ત્યારે અમારી પાસે તે સંકલ્પને પૂર્ણ કરવાની સુવર્ણ તક છે. દેશવાસીઓએ ફરી એકવાર NDAને સેવા કરવાની તક આપી છે, જેના માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ જે ગતિએ આગળ વધ્યો છે, સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 25 કરોડ લોકોનું ગરીબીમાંથી બહાર આવવું એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેમણે ખાતરી આપી હતી કે, 18મી લોકસભામાં પણ એ જ ગતિ અને સમર્પણ સાથે અમે દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એનડીએની બેઠકમાં તમામ ઘટક પક્ષોએ મને નેતા તરીકે પસંદ કર્યો છે. તમામ પક્ષોએ રાષ્ટ્રપતિને તેમના સમર્થનની જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિએ મને આમંત્રણ આપ્યું. 9 જૂનના રોજ સાંજે શપથ ગ્રહણ અંગે માહિતી આપી હતી. શપથગ્રહણનો વિગતવાર કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનથી જાહેર કરવામાં આવશે.

મોદીએ કહ્યું કે, તેમના કાર્યકાળના છેલ્લા 10 વર્ષમાં ભારત વિશ્વબંધુ તરીકે ઉભરી આવ્યું છે. હવે અમને તેનો મહત્તમ લાભ મળવા લાગ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષ વૈશ્વિક વાતાવરણમાં પણ ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. વિશ્વમાં અનેક સંકટ, અનેક તણાવ, આફતોમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે ભારતીયો ભાગ્યશાળી છીએ કે, આટલો મોટો સંકટ હોવા છતાં આપણે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાઈએ છીએ. વિકાસ માટે વિશ્વમાં આપણા વખાણ પણ થઈ રહ્યા છે.