નર્મદાના નાંદોદમાં હાથપગાના શંકાસ્પદ કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

પ્રવિણ પટવારી, નર્મદાઃ જિલ્લાના નાંદોદ તાલુકામાં હાથીપગાના 3 શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા 10થી 12 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ સામુહિક દવા ગળાવવા તથા તારીખ 13 અને 14 ફેબ્રુઆરીના રોજ મોપઅપ રાઉન્ડનું આયોજન કર્યું છે. જ્યારે રાજપીપળા શહેરમાં કુલ 9 વોર્ડમાં 16 તારીખથી ડોર ટુ ડોર દવા ગળાવવાનું અભિયાન ચાલુ કરવામાં આવશે. બંને તાલુકામાં કુલ 3.77 લાખ લોકોને ડીઈસી તથા આલબેન્ડાઝોલ નામની દવાઓ ગળાવવામાં આવી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, લીમ્ફેટીક ફાઇલેરીયા જે હાથીપગો રોગ તરીકે ઓળખાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 3 શંકાસ્પદ લક્ષણો દેખાયાં છે. તેના પગલે આરોગ્ય વિભાગે તુરંત એક્શનમાં આવી નાંદોદ તાલુકામાં 227 અને દેડિયાપાડામાં 310 કર્મીઓની ટીમ ઉતારી છે. આ રોગને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમિયાન આંગણવાડી, શાળા અને કોલેજોમાં બાળકો માટે તથા અન્ય પુખ્ત વયનાં લોકોને ટીમો દ્વારા ઘરે-ઘરે રૂબરૂમાં, ડીઈસી તથા આલબેન્ડાઝોલ નામની દવાઓ ગળાવવામાં આવી હતી.