સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશના પહેલા ‘રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025’નું આયોજન
પ્રવિણ પટવારી, નર્મદાઃ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર સ્થિત સહકાર ભવન ઓડિટોરિયમમાં ભારત સરકારના બોટનિકલ સરવે ઓફ ઇન્ડીયાના નિયામક એ.એ.માઓની ઉપસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025 (નેશનલ બોટની ફેસ્ટ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ 23 જાન્યુઆરી સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ વનસ્પતિઓની માહિતી મેળવશે. દેશમાં પ્રથમવાર યોજાઈ રહેલા આંતરાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવમાં ભાગ લેવા બદલ અને કંઈક નવું જાણવા શીખવા માટે દેશભરના વનસ્પતિશાસ્ત્ર શીખતા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુક જોવા મળ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુકત ઉપક્રમે પ્રથમ ‘નેશનલ બોટની ફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટમાં તા. 23 જાન્યુઆરી સુધી વિવિધ રાજયોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિશાસ્ત્રના વિધાર્થીઓ એકતા નગરના સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. જેમાં ભારતમાં અમલી થયેલી નવી શિક્ષણનીતિમાં પણ અનુભવલક્ષી શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. ત્યારે આ શિબિર દરમિયાન એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર લઇ જઇને રસપ્રદ ગેમ્સ મારફતે જ્ઞાન પીરસવામાં આવશે.
આયોજિત થનારી વિવિધ ગેમ્સ ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટીંગ, પંચેન્દ્રીય પરીક્ષા, ટેન્ટ મેકીંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રક્લ્પો આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે.
ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડીયાના નિયામક એ.એ.માઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવની ઉજવણી કરવામાં માટે ચોક્કસ જગ્યા પસંદગી કરાઈ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ભારતના વિવિધ રાજ્યમાંથી પધારેલ બોટનીના વિદ્યાર્થીઓ એકતાથી વનસ્પતિનો રિસર્ચ કરી અભ્યાસ કરશે જે એમના જીવનનો ઉત્તમ ઉદાહરણ રહેશે.