July 1, 2024

નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો

પ્રવિણ પટવારી, નર્મદાઃ કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે. તેમાંથી નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો. નર્મદા જિલ્લામાં કેળ, પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે. તેમાંય વરસાદી ખેતી પર નભતા લોકોની ટકાવારી વધુ છે. આમ તો વરસાદ બાદ રવીપાકમાં તુવેર અને કપાસની મોટા પ્રમાણમાં ખેતી નર્મદા જિલ્લામાં કરવામાં આવતી હોય છે. પરંતુ ગઈકાલે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવું નાંખ્યું છે.

આ પણ વાંચોઃ PM મોદી થયા ભાવુક, કહ્યુ – મમ્મીના નિધન પછી ગંગા મારી માતા, મને દત્તક લીધો છે

કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કપાસ, કેળ અને પપૈયા સહિત હાલ કેરીના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. નર્મદા જિલ્લામાં 10 હજાર કરતાં વધુ હેક્ટર જમીનમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તમામ વાવેતર જમીનદોસ્ત થઈ ગયું છે અને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

આ સાથે હવે કેરીની સિઝન છે, ત્યારે નર્મદામાં અનેક ખેડૂતોએ આંબાવાડી કરી છે. તેમના આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને કેરીના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. આ સાથે પપૈયાના પણ ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વારંવાર ખેડૂતોને થઈ રહેલા નુકસાનને કારણે તેમની આર્થિક સ્થિતિ પણ નબળી પડી રહી છે. તેને પગલે ખેડૂતો સરકાર પાસે હવે પાક નુકસાનનું વળતર માગી રહ્યા છે.