June 28, 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક નજારો, અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન

નર્મદા: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ ઠેર-ઠેર મેઘરાજાનું આગમન થયું છે. આ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસતા વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચારે તરફ વાદળછાયું વાતાવરણ વચ્ચે રમણીય દ્રશ્યો સર્જાયા છે. આ સિવાય ગરમીમાં રાહત મળતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ રાજપીપળાના વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.

વરસતા વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. વડોદરામાં દિવસભર અસહ્ય ગરમી બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ થયા છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝીબીલિટી ઘટી છે. જોકે, ભારે પવનને કારણે હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, દિવસભર અસહ્ય ઉકળાટ બાદ ઠંડા પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સિવાય બગસરાના નાના મુંજાસણ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. મુંજીયાસણ ગામના પાટીયા પાસે વૃક્ષોની ડાળીઓ રસ્તા ઉપર પડી છે. માણેકવાડા ચોકડી પાસે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે.