અમદાવાદમાં નરોડા પોલીસે જ પોલીસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં નરોડા પોલીસે જ પોલીસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે. PCR વાનમાં દારૂની બોટલ લઈને ફરતા પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસ પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા ક્યાંથી આવ્યા તેને લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી. જો કર્મચારીઓએ અન્ય કોઈ ગુનો કર્યો હશે તો તેની પણ ફરિયાદ નોંધાઈ શકે છે.
30 હજાર રોકડા પણ મળી આવ્યા
બુટલેગરો અથવા તો દારૂ સાથે ઝડપાતા સામાન્ય નાગરિકો વિરુદ્ધ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. પરંતુ નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જ ગુનો નોંધવામાં આવ્યો અને તેમની પાસેથી દારૂની બે બોટલ પણ કબજે કરવામાં આવી. નરોડા પોલીસે હેડ કોન્સ્ટેબલ સતિષભાઈ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમસિંહ રાજપૂતની દારૂની બોટલો સાથે ધરપકડ કરી. ફરજ પર PCR વાન લઈને નોકરી કરતા પોલીસકર્મીની સરકારી ગાડી તપાસ કરતા તેમાંથી દારુ મળી આવ્યો હતો. પોલીસકર્મી પાસેથી 30 હજાર રોકડા પણ મળી આવ્યા છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમેરિકાએ આજથી H-1B વિઝામાં કર્યો મોટો ફેરફાર, જાણો ભારતીય પ્રોફેશનલ્સ પર શું પડશે અસર
સરકારી ગાડીમાં દારૂ
પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ પર નજર કરીએ તો નરોડા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને બાતમી મળી હતી કે પોલીસ કર્મચારીઓ પાસે સરકારી ગાડીમાં દારૂ છે. જેથી સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાવતા દારુ મળી આવ્યો હતો. તે દારુ હંસપુરા પાસેથી પસાર થતી રીક્ષામાં મળી આવ્યો હતો જોકે પોલીસ કર્મચારીઓએ તે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવાને બદલે દારુ પોતાની પાસે રાખ્યો હતો.. જે દારુ અંગે માહિતી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસને શંકા છે કે પોલીસ કર્મચારીઓ પાસેથી મળેલા 30 હજાર રુપિયા પણ તોડ કર્યો હોવાના જ છે. માટે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે. તો આગામી સમયમાં બંને આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી પણ થઈ શકે છે.