November 24, 2024

નવરાત્રિને લઈને RMCનું જાહેરનામું, અર્વાચીન ગરબા આયોજકોને અપાઈ ખાસ સૂચના

રાજકોટ: માં જગદંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અત્યારથી જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, નવરાત્રિના ઉલ્લાસમાં કોઈ અણધારી ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનો કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટમાં જાહેર નવરાત્રિ કાર્યક્રમો અને પાર્ટીપ્લોટમાં યોજાતા અર્વાચીન ગરબામાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના આયોજન માટે ખાસ 30 નિયમોની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા 30 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામામાં અર્વાચીન ગરબા આયોજકો માટે સુરક્ષાને લઈને નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં યોજાતા દરેક અર્વાચીન રાસોત્સવમાં 2 એક્ઝિટ ગેટ ફરજીયાત રાખવાના રહેશે.

આ પણ વાંચો: માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ નિષ્ફળ, ત્રીજા વર્ષે પણ ન મળ્યા વિદ્યાર્થીઓ

તેમજ, જાહેરનામામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના વાહનો ગ્રાઉન્ડમાં અંદર પહોંચી શકે તે માટે ફરજીયાત ગેટની વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં ધુમ્રપાનની સખ્ત મનાઈનું પાલન કરવામાં આવે. તેમજ ખુલ્લા વાયરો ન રાખવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. તેમજ, સ્ટેજ સ્ટ્રક્ચર મજબૂત રાખવાનું રહેશે અને ગ્રાઉન્ડની મર્યાદાથી વધારે લોકો એકત્રિત ન થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.