January 8, 2025

બીલીમોરામાં નગરપાલિકા તંત્રનું બુદ્ધિ પ્રદર્શન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવસારીઃ જિલ્લાના બીલીમોરા શહેરમાં નગરપાલિકાના અધિકારીઓએ અકલ્લનું પ્રદર્શન કર્યું છે. પાલિકાના કર્મચારીઓનાં જીવ જોખમાય તેવી રીતે કામ કરાવવામાં આવ્યું છે.

શહેરના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી વાહનચાલકોને બચાવવા માટે કર્મચારીને લિફ્ટરની જગ્યાએ જેસીબી મશીન પર ચઢાવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ ચાલુ જેસીબી મશીન પર ઊભા રહીને પુલ પરના સ્ટ્રીટ લાઈટ પર તાર બાંધતા કેમેરામાં કેદ થયા હતા.

ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને નગરપાલિકા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. ચાલુ જેસીબી મશીન પર કર્મચારીને આ રીતે ચઢાવીને કામ કરતા કોઈ ઘટના બને તો જવાબદારી કોણ ઉઠાવશે?, શું પાલિકા પાસે લિફ્ટર જેવા સાધનોનો અભાવ છે? કે પછી લિફ્ટર જેવા સાધનો હોવા છતાં પણ આ રીતે પાલિકાના કર્મચારીઓના જીવ જોખમાય એ પ્રમાણે કામ કરાવ્યું? આવા અનેક સવાલ ઉભા થયા છે.