નવસારીમાં કેસર કેરીનું આગમન, ભાવ 1800 આસપાસ રહેતા ખેડૂતોમાં આનંદ
જીગર નાયક, નવસારીઃ સમગ્ર ગુજરાતમાં બાગાયતી પાકોના નંદનવન તરીકે જાણીતા નવસારી જિલ્લામાં ફળોના રાજા એવા કેરીના પાકનું આગમન થઈ ચૂક્યું છે. નવસારી એપીએમસી ખાતે કેરીના વેચાણની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં કેસર કેરીનો ભાવ 1800થી 2100ની વચ્ચે રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો બાગાયતી પાક ચીકુ ઉપરાંત કેરી અહીંનો મુખ્ય પાક છે. નવસારીની કેરીઓ સમગ્ર દેશમાં વખણાય છે. કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી, બદામી જેવી કેરીઓની માગ દેશભરમાં રહે છે. બદલાયેલા વાતાવરણની સીધી અસર કેરીના પાક ઉપર પડી છે. ગત વર્ષોની સરખામણીમાં આંબા ઉપર મોડું ફ્લાવરિંગ થતા કેરીનો પાક એક મહિનો મોડા ઉતરવાની શરૂઆત થઈ છે. નવસારી સ્થિત એપીએમસી માર્કેટમાં કેરી વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં હાલ દરરોજ ચારથી પાંચ ટન જેટલી કેરીઓ એપીએમસી માર્કેટમાં ઠલવાઈ રહી છે. ભાવોની વાત કરવામાં આવે તો કેસર કેરીના હાલ 1800થી 2200 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાઈ રહી છે.
વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે નવસારી જિલ્લામાં ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે કેરીનો પાક માત્ર 30 ટકા જેટલો રહેવાનો અંદાજો ખેડૂતો લગાવી રહ્યા છે. કેરીના ઓછા પાકને પગલે કેરીના ભાવો ગત વર્ષોની સરખામણીમાં વધુ રહેવાનો અંદાજો વેપારીઓ લગાવી રહ્યા છે. આગામી દસ દિવસમાં દરરોજ 49થી 50 ટન કેરી માર્કેટમાં આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ પાક ઓછો હોવાને કારણે ભાવો જળવાઈ રહેવાનું વેપારીઓ માની રહ્યા છે.