નવસારી: મટવાડ- સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટી, મહાપ્રસાદ લીધા બાદ થઈ સમસ્યા

Navsari: રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને લોકોના ત્રાહિમામ પોકાળી રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે ગરમીને લઈને ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી છે. હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા ભંડારામાં મહાપ્રસાદ જમ્યા બાદ ઝાડા-ઉલટીની સમસ્યા થઈ હતી.
મળતી માહિતી અનુસાર નવસારીમાં 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી થઈ હોવાની ઘટના સામે આવી છે. હનુમાન જન્મોત્સવ પ્રસંગે યોજાયેલા ભંડારામાં મહાપ્રસાદ જમ્યા બાદ ઝાડા-ઉલટીની સમસ્યા થઈ હતી. જેની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી રહી છે. જ્યારે આરોગ્યની ટીમ મળી 70 થી 80 બાળકોની સારવાર અપાઈ છે. મોડી રાત્રે બાર વાગ્યા સુધી તમામ દર્દીને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી. આરોગ્યની ટીમ મટવાડ,સામાપોર,દાંડી,કરાડી જેવા ગામોમાં ફરીને સારવાર આપી છે.
આ પણ વાંચો: 3 લોકોના મોત… 15 ઈજાગ્રસ્ત, 136ની ધરપકડ; બંગાળના મુર્શિદાબાદમાં હિંસા બાદ BSFની પાંચ કંપની તૈનાત
જોકે, મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટર્સ કોન્ટ્રાકટર એકજ હોવાનું જાણવા મળ્યું છે. ભોજનમાં પીરસાયેલી છાશ અને કેરીના રસ શંકાસ્પદ હોવાની ચર્ચા થઈ રહી છે. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ મટવાડ ખાતે ભોજનના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે.