November 25, 2024

NEET Paper Leak: ગુજરાતમાં CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેનની કરી અટકાયત

NEET Paper Leak: નીટ યુજી પેપર લીક મામલે CBIએ પંચમહાલ જિલ્લાની જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની શનિવારે અટકાયત કરી લીધી છે. દીક્ષિત પટેલની અટકાયત કર્યા બાદ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. NEET પેપર લીક મામલે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ સાથે તેઓ સંપર્કમાં હોવાની આશંકાના આધારે CBIએ દીક્ષિત પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

પ્રિન્સિપાલ અને એક શિક્ષકની પહેલા જ થઈ ચૂકી છે ધરપકડ
આ અગાઉ 27 જૂને CBIએ NEETમાં છેતરપિંડી કરવાના કેસમાં દીક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત CBIએ કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા. NEET પાસ કરાવવા માટે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે NEETમાં ગેરરીતિ આચરવા બદલ ગુજરાત પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ 2.5 કરોડ રૂપિયાના મની ટ્રેલની વાત પણ સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને NEET પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

બાળકો પાસેથી પૈસા લઈને પરીક્ષા પાસ કરાવવાનો ખેલ
ગત મહિને પંચમહાલ જિલ્લાના કલેક્ટર દ્વારા મળેલી માહિતીના આધારે ગોધરાની જય જલારામ સ્કૂલના NEET પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એ વાતનો ખુલાસો થયો હતો કે બાળકો પાસેથી પૈસા લઈને પરીક્ષા પાસ કરાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. પોલીસ તપાસ મુજબ, આ કેન્દ્ર પર પરીક્ષા આપનાર ઘણા ઉમેદવારો છેતરપિંડી કરનારા માફિયાઓના સંપર્કમાં હતા. આવા વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.