August 8, 2024

નેપાળમાં વિશ્વાસ પ્રસ્તાવમાં પુષ્પ કમલ દહલની ‘પ્રચંડ’ હાર, આપ્યું રાજીનામું: હવે કોણ બનશે પીએમ?

Nepal Politics: આજે 12 જુલાઇના રોજ નેપાળના પ્રધાનમંત્રી હવે નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી બની ગયા છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ માટે આજનો દિવસ આઘાતજનક સાબિત થયો. તેમણે સંસદમાં વિશ્વાસ મત ગુમાવી દીધો. બાદમાં તેમણે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. ત્યારે હવે સવાલ એ થાય છે કે નેપાળના આગામી પ્રધાનમંત્રી કોણ બનશે.

પુષ્પ કમલ દહલ વિશ્વાસ મત હાર્યા
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસનો મત ન જીતી શક્યા. તેમના સમર્થનમાં માત્ર 63 મત પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં 193 મત પડ્યા હતા. જ્યારે એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ 258 સાંસદો હાજર હતા.

4 વખત જીતી ચૂક્યા છે વિશ્વાસ મત, પાંચમી વખત થઈ હાર
ગત અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) એ તેમની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. દેશના 275 સભ્યોની સંસદમાં 69 વર્ષીય પ્રચંડને 63 મત મળ્યા, જ્યારે વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં 194 મત પડ્યા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. 25 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રચંડ 4 વખત વિશ્વાસ મત જીતવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

કોણ બનશે નેપાળના આગામી પ્રધાનમંત્રી
પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના CPN-UMLએ ગયા અઠવાડિયે ગૃહની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની આગેવાની હેઠળની સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી પ્રધાનમંત્રી તરીકે સમર્થન આપી ચૂક્યા છે. પ્રતિનિધિ સભામાં નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આમ બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138 કરતાં ઘણી વધારે છે. એટલે શક્ય છે કે કેપી શર્મા ઓલી અથવા શેર બહાદુર દેઉબા બન્નેમાંથી કોઈ એક નેપાળના આગામી પ્રધાનમંત્રી બની શકે છે.