November 22, 2024

દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ રિઝવાન અલીની ધરપકડ, ISISના મોડ્યુલનો પર્દાફાશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. મોસ્ટ વોન્ટેડ ઇસ્લામિક સ્ટેટના ઓપરેટિવ રિઝવાન અલીની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. NIA દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેની પર 3 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે વહેલી સવારે પુણે ISIS મોડ્યુલના મુખ્ય સભ્ય રિઝવાન અબ્દુલની ધરપકડ કરી છે. અબ્દુલને ISIS ગ્રુપમાં સૌથી વોન્ટેડ આતંકી માનવામાં આવતો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અબ્દુલની ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું. આ પહેલાં તેને પકડવામાં આવ્યો હતો પરંતુ તે પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને ત્યારથી ભાગતો ફરતો હતો.

દિલ્હીના દરિયાગંજના રહેવાસી અબ્દુલે પણ પુણે ISIS મોડ્યુલના અન્ય સભ્યો સાથે દિલ્હી અને મુંબઈમાં અનેક હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટ નક્કી કર્યા હતા અને આ મામલે NIAએ તપાસ હાથ ધરી હતી. પોલીસે અબ્દુલના પાસેથી હથિયારો જપ્ત કર્યા છે. પુણે ISIS મોડ્યુલના ઘણા સભ્યોની પુણે પોલીસ અને NIA દ્વારા ભૂતકાળમાં ધરપકડ કરવામાં આવી છે.