હથિયારો અને ડ્રગ્સ દાણચોરી કેસમાં NIAએ છ રાજ્યોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

Narcotics Smuggling Case: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખાલિસ્તાની ઓપરેટિવ્સ દ્વારા પાકિસ્તાન સમર્થિત સીમાપારથી શસ્ત્રો અને ડ્રગ્સ દાણચોરી સાથે સંબંધિત કેસમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને ભારતભરના અન્ય રાજ્યોમાં અનેક સ્થળોએ મોટાપાયે સર્ચ હાથ ધર્યું છે.

ગુરુવારે પંજાબ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને કર્ણાટકમાં 18 સ્થળોએ કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. NIA ટીમો પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં વ્યક્તિઓની દાણચોરી અને કટ્ટરપંથીકરણ પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ કરી રહી છે.

20 ડિસેમ્બર, 2024ના રોજ આતંકવાદ વિરોધી એજન્સી દ્વારા નોંધાયેલા કેસમાં ગુરુવારે પાકિસ્તાન સ્થિત સંસ્થાઓ સાથે જોડાયેલા શંકાસ્પદોના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. NIA દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ, તપાસ હેઠળના શકમંદો પ્રતિબંધિત ગેરકાયદેસર સંગઠનો/આતંકવાદી સંગઠનોની વિચારધારા સાથે સંકળાયેલા છે.

NIA તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ સંગઠનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કાવતરાં ઘડી રહ્યા છે અને ભારતને અસ્થિર કરવાના ષડયંત્રના ભાગરૂપે ખાલિસ્તાની તરફી તત્વો (PKE) વિદેશી ઓપરેટરો સાથે નિયમિત સંપર્કમાં હોવાની શંકા છે.NIA આ કેસમાં તપાસ ચાલુ રાખી રહી છે.