June 16, 2024

Nigeriaના બે ગામમાં અંધાધૂંધ ગોળીબાર, 40 લોકોના મોત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આફ્રિકન દેશ નાઈજીરિયાના એક ગામમાં બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 લોકોના મોત થયા હતા. આરોપીઓએ ગામમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. રહેવાસીઓનું કહેવું છે કે, આરોપીઓએ ઘણાં ઘરોને પણ આગ લગાડી દીધી હતી. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અહીં ખેડૂતો અને ભરવાડો વચ્ચે અવારનવાર ઘર્ષણ થાય છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં સ્થિત પ્લેટુ સ્ટેટમાં બની હતી.

રહેવાસીઓએ જણાવ્યું – મૃતકોની સંખ્યા વધી શકે છે
પ્લેટુ પોલીસના પ્રવક્તા આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યુ હતુ કે, પઠારી બંગાલાના જંગલોમાં સુરક્ષા એજન્ટોના હુમલાથી ભાગી રહેલા ડાકુઓએ સોમવારે મોડી રાત્રે જુરક અને ડાકાઈ ગામો પર હુમલો કર્યો હતો. સુરક્ષા એજન્ટોએ સાત હુમલાખોરોને મારી નાંખ્યા હતા. જ્યારે દોડધામ વખતે ડાકુઓએ નવ લોકોની હત્યા કરી નાંખી હતી. ગામના રહેવાસીઓનું કહેવું છે કે, મૃત્યુઆંક ઘણો વધારે છે. બંદૂકધારીઓ ડઝનેક હતા. તેમણે બાઇક પર ગામમાં દરોડો પાડ્યો હતો. તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમણે ઘણા લોકોનું અપહરણ કર્યું અને ઘણા ઘરોને બાળી નાંખ્યા હતા.

મેં કોઈક રીતે મારો જીવ બચાવ્યો
જુરકના રહેવાસી બાબાંગીડા અલીયુએ કહ્યું કે, અમારા ગામમાં પ્રવેશતા જ તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે 40થી વધુ લોકોને કોઈ દયા વગર મારી નાંખ્યા હતા. કોઈક રીતે હું તેમની ચુંગાલમાંથી ભાગીને મારો જીવ બચાવવામાં સફળ રહ્યો. મેં હજી સુધી મારા પરિવારને જોયો નથી. આ દરમિયાન અન્ય એક રહેવાસી ટીમોથી હરુનાએ જણાવ્યું કે, આરોપીઓએ ઘણાં લોકોની હત્યા કરી છે. તેમણે ઘણા લોકોનું અપહરણ કર્યું હતું. તેમણે અમારા ઘરોમાં પણ આગ લગાવી દીધી છે.