December 21, 2024

INDIA ગઠબંધનમાં કોઈ નેતામાં PM બનવાનો દમ નથી: HD દેવગૌડા

અમદાવાદ: લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થવાનું છે. દેશમાં હવે વડાપ્રધાન કોન બનશે તેની જ ચર્ચા હાલ સમગ્ર દેશમાં ચાલી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકની મુખ્ય રાજનૈતિક પાર્ટી JDSના પ્રમુખ એચડી દેવગૌડાએ મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે વિપક્ષી દળોના ઈન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષમાં એવું કોઈ નથી કે જેમાં ભારતના વડાપ્રધાન બનવાની ક્ષમતા હોય, એકમાત્ર નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બની શકે છે. વરિષ્ઠ નેતા દેવગૌડાએ કહ્યું કે, PM મોદી જ એકમાત્ર વિકલ્પ છે.

‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે’
એક અહેવાલ મુજબ 91 વર્ષીય રાજનેતા દેવેગૌડાએ કહ્યું છે કે, ફરી એકવાર નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બનશે. કારણ કે આખો દેશ તેમને પસંદ કરી રહ્યો છે. પોતાના 67 વર્ષના રાજકીય અનુભવનો ઉલ્લેખ કરતા દેવેગૌડાએ કહ્યું કે જેડીએસ અને ભાજપ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો: રિક્ષાચાલકની ગજબ મોડેસ ઓપરેન્ડી, ગાંધીનગર પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડ્યો

‘200 વર્ષમાં કર્ણાટકને ન્યાય નથી મળ્યો’
કર્ણાટકમાં કોંગ્રેસની “ન્યાયની આશ્વાસન” પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 200 વર્ષથી ન્યાય મળ્યો નથી. કાવેરી જળ વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હવે અમને આશા છે કે તેનો ઉકેલ આવી જશે. વધુમાં કહ્યું કે, જો કોઈ કર્ણાટક સાથે ન્યાય કરી શકે છે અને કાવેરી મુદ્દાને ઉકેલી શકે છે તો તે પીએમ નરેન્દ્ર મોદી છે અને મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે.

‘JDS ભાજપ સાથે કામ કરવાનું ચાલુ રાખશે’
તમને જણાવી દઈએ કે આ વખતે જેડીએસે લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને તે NDAનો ભાગ છે. આ ગઠબંધન અકબંધ રહેશે કે ચૂંટણી પછી તૂટશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ચોક્કસ બંને પક્ષો સાથે રહેશે અને સાથે મળીને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.