September 8, 2024

સંસદસભ્યતા સમાપ્ત થઈ ગઈ છતાં મોહ જતો નથી, 200 પૂર્વ સાંસદોને બંગલો ખાલી કરવાની નોટિસ

Ex MPs to vacate Bungalows: 200થી વધુ ભૂતપૂર્વ લોકસભા સાંસદોને લ્યુટિયન જોન્સનો બંગલો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ એવા નેતાઓ છે કે જેઓ ચૂંટણી હારી ગયા છે અથવા જેમની સંસદસભ્યતા સમાપ્ત થઈ ગઈ છે પરંતુ તેઓ નિયમો અનુસાર એક મહિનાની મર્યાદા વટાવી ગયા હોવા છતાં તે બંગલાઓ પર કબજો કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે લોકસભાની હાઉસિંગ કમિટીએ આવા ભૂતપૂર્વ સાંસદોને તેમના બંગલા જલદીથી સોંપી દેવા માટે કહ્યું છે જેથી નવા સાંસદોને બંગલા ફાળવી શકાય.

નોંધનીય છે કે, પૂર્વ સાંસદોએ ગત લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાના હોય છે, પરંતુ આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પૂર્વ સાંસદો બંગલો ખાલી કરી રહ્યા નથી. એક અધિકારીએ કહ્યું, “જો ભૂતપૂર્વ સાંસદો બંગલો ખાલી કરવામાં નિષ્ફળ જશે, તો તેમની વિરુદ્ધ ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ટીમોને તેમના સરનામા પર મોકલવામાં આવશે.”

નોંધનીય છે કે, લોકસભાની ગૃહ સમિતિ સાંસદોને રહેઠાણ ફાળવે છે, જ્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના એસ્ટેટ ડિરેક્ટોરેટ મંત્રીઓને બંગલા ફાળવે છે. સૂત્રોએ જણાવ્યું કે મોદી સરકાર-3.0ના શપથ લીધાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી નવા મંત્રીઓને કોઈ બંગલો ફાળવવામાં આવ્યો નથી.