November 17, 2024

રવિ સિઝનમાં ભાવનગરમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર શરૂ

ભૌમિક, ભાવનગર: સમગ્ર રાજયમાં હવે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેવામાં સમગ્ર ભાવનગરમાં ગરીબોની કહેવાતી કસ્તુરી એટલે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા માં હાલ 86 ટકા ડુંગળીનું વાવેતર થયું છે. ત્યારે રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને કસ્તુરીના સારા ભાવ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે ભાવનગર જિલ્લાની ડુંગળી દેશના મોટા ભાગના વિસ્તારમાં વેચાય છે. પરંતુ એમ છતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા નથી. આ વર્ષના ભાવ સારા મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

રવિ પાકનું વાવેતર શરૂ
ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઇ ગયો છે ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 16,100 હેકટર જમીનમાં થઈ ગયુ છે. ભાવનગર જિલ્લો ખાસ તો ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં ભાવનગર જિલ્લો હંમેશા પ્રથમ ક્રમે હોય છે. ભાવનગર સહિત રાજ્યભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. જેમાં ગુજરાતભરમાં વાવેતરના આરંભે ડુંગળીનું કુલ વાવેતર 8,100 હેકટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું 7,000 હેકટરમાં વાવેતર થયું છે. ગુજરાત રાજ્યમાં કુલ ડુંગળીનું જે વાવેતર થયું છે તેના 86.42 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં ઠંડીનો આરંભ થઇ ગયો છે ત્યારે રવિ પાકનું વાવેતર વધીને 16,100 હેકટર જમીનમાં થઈ ગયુ છે.

આ પણ વાંચો: નકલી ઘી પ્રકરણમાં વરાછા પોલીસની ઢીલી તપાસ, એક મહિના બાદ ઝડપાયો વચેટીયો

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
આ વર્ષે ડુંગળીનું વાવેતર તો સારું થયું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર માલ ખરાબ થઈ ગયો હતો. હવે ફરી ખેડુતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે. ખેડૂતો દ્વારા ડુંગળીના ભાવ સારા મળે તો જ ખેડૂતો ને બે પૈસા નો ફાયદો થાય એમ છે. જેનું કારણ એ છે કે ખાતર બિયારણ નો 30 થી 40 હજાર જેટલો મસ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જો પોષણક્ષમ ભાવ ન મળે તો આ વર્ષે પણ ખેડૂતો ને રાતા પાણી એ રોવા નો વારો આવશે.