ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે, ભારતીય વાયુસેનાએ આપી પ્રતિક્રિયા

India: સિઝફાયરના ઉલ્લંઘન બાદ વડાપ્રધાન આવાસમાં હાઇલેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એરફોર્સનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે.

ભારતીય વાયુસેનાએ (IAF) ઓપરેશન સિંદૂરમાં તેમને સોંપાયેલા તમામ ટાસ્ક ચોકસાઈપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે સુસંગત, ઇરાદાપૂર્વક અને સમજદારીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે. IAFએ ખોટી માહિતી અને અટકળોથી દૂર રહેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી, સરહદ પર શાંતિ છે. પાકિસ્તાન તરફથી સરહદ પારથી ગોળીબારની કેટલીક ઘટનાઓ બની હોવા છતાં ભારતે આ અંગે કડકતા દાખવ્યા બાદ આખી રાત શાંતિ રહી. અત્યાર સુધી સરહદ પર હુમલો કે ગોળીબારની કોઈ ઘટના બની નથી. સરહદી રાજ્યોમાં જીવન સામાન્ય થઈ રહ્યું છે.