News 360
March 30, 2025
Breaking News

ઓસ્કાર વિનર હમદાન બલાલનો મોટો દાવો – યહૂદી પર હુમલા બાદ ઇઝરાયલી સેનાએ ઢોરમાર માર્યો

Oscar Winner Hamdan Ballal: થોડા અઠવાડિયા પહેલાં હમદાન બલાલને ‘નો અધર લેન્ડ’ ફિલ્મ માટે લોસ એન્જલસમાં ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો ચહેરો ઉઝરડાથી ભરેલો છે અને તેના કપડાં પર લોહીના ડાઘ છે. આ ફિલ્મમાં ઇઝરાયલી કબજા સામે પેલેસ્ટિનિયન ગામડાઓનાં સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.

આ ઘટના સોમવારે રાત્રે પશ્ચિમ કાંઠાના સુસિયા ગામમાં બની હતી. બલાલે કહ્યું કે, એક ઇઝરાયલી પશ્ચિમ કાંઠાના વસાહતીએ તેના માથામાં ફૂટબોલની જેમ લાત મારી હતી. ત્યારબાદ સૈનિકોએ તેની ધરપકડ કરી હતી. તેને વીસ કલાક સુધી ઠંડા રૂમમાં આંખે પાટા બાંધીને રાખવામાં આવ્યો હતો અને ઘણી વખત માર મારવામાં આવ્યો.

‘આંખો બાંધીને ઠંડા ઓરડાના ફ્લોર પર બેસાડ્યો’
બલાલે કહ્યું કે, સૈનિકોએ તેમને અને અન્ય બે પેલેસ્ટિનિયનોને અટકાયતમાં લીધા હતા. તેમને આંખો પર પટ્ટી બાંધીને 20 કલાકથી વધુ સમય સુધી ફ્લોર પર બેસાડવામાં આવ્યા હતા, જ્યાં હાઇ-વોલ્ટેજ એસી ચાલુ હતું. જ્યારે પણ સૈનિકોની ડ્યૂટી બદલાતી, ત્યારે તેમને લાત મારતા, મુક્કા મારતા અથવા લાકડીઓથી મારતા હતા. બલાલે કહ્યું કે, તે હિબ્રુ ભાષા સમજી શકતો નથી, પરંતુ તેણે સૈનિકોને તેનું નામ અને ઓસ્કાર બોલાવતા સાંભળ્યા હતા.

બલાલે વેસ્ટ બેન્કની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક મુલાકાતમાં કહ્યુ હતુ કે, ‘મને ખબર હતી કે તેઓ મને નિશાન બનાવી રહ્યા હતા. જ્યારે તેઓ ઓસ્કાર કહે છે, ત્યારે તમે સમજો છો. જ્યારે તેઓ તમારું નામ બોલાવે છે, ત્યારે તમને ખબર પડે છે.’ ઇઝરાયલી સૈન્યએ બલાલ પર હુમલો થયો હોવાના આરોપો અંગે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

બલાલને હુમલાખોર તરીકે ઓળખાવતા વ્યક્તિએ આરોપો નકાર્યા
બલાલને હુમલાખોર તરીકે ઓળખાવનારો વ્યક્તિ યહૂદી વસાહતનો રહેવાસી શેમ તોવ લુસ્કી હતો, જેણે અગાઉ પણ બલાલને ધમકી આપી હતી. લુસ્કીએ દાવો કર્યો હતો કે, તેણે કે સૈનિકોએ બલાલને માર્યો ન હતો. તેણે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, બલાલ અને ગામના અન્ય પેલેસ્ટિનિયનોએ તેની કાર પર પથ્થરમારો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, તેમને ખબર નહોતી કે બલાલ ઓસ્કાર વિજેતા છે.

પથ્થરમારાનાં શંકાસ્પદ આરોપીની ધરપકડ: ઇઝરાયલી સેના
ઇઝરાયલી સૈન્યએ સોમવારે જણાવ્યું હતું કે, તેમણે પથ્થરમારા કરવાના શંકાસ્પદ આરોપસર ત્રણ પેલેસ્ટિનિયનોની અટકાયત કરી છે. એક ઇઝરાયલી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ઇઝરાયલી નાગરિકને ઝડપથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બલાલે પથ્થરમારાનો આરોપ ફગાવી દીધો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, સુસિયા ગામના લોકો રમજાન દરમિયાન રોજા તોડી રહ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ કાંઠે રહેતા લગભગ બે ડઝન યહૂદીઓ અને પોલીસ ત્યાં પહોંચી અને ઘરો પર પથ્થરમારો કર્યો હતો. આ પછી તરત જ 30 ઇઝરાયલી સૈનિકો પણ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે બલાલે આ હુમલાનો વીડિયો બનાવ્યો, ત્યારે ત્યાં રહેતા ઇઝરાયલી નાગરિક શેમ તોવ લુસ્કી બે સૈનિકો સાથે આવ્યા અને તેમના પર હુમલો કર્યો હતો.