પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું નિવેદન – અમને તો…

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આંગળી સીધી પાકિસ્તાન તરફ ચિંધાઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાન સરકાર તરફથી પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે, તેમના દેશનો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી.

પાકિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર, ખ્વાજા આસિફે કહ્યું કે, ‘પાકિસ્તાનને આની સાથે કોઈ લેવાદેવા નથી. આ બધામાં હોમ ગ્રોન લોકો સામેલ છે. ત્યાંના તમામ રાજ્યોના લોકોએ સરકાર સામે બળવો કર્યો છે. ત્યાં નાગાલેન્ડથી લઈને મણિપુર અને કાશ્મીરમાં લોકો સરકાર સામે છે. ભારત સરકાર લોકોના અધિકારોનો નાશ કરી રહી છે. તે તેમનું શોષણ કરી રહી છે. લોકો આનો વિરોધ કરી રહ્યા છે.’

મંગળવારે પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ પહલગામ ફરવા આવેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો અને પછી નજીકના જંગલોમાં ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ આ આતંકવાદીઓને શોધવા માટે મોટાપાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. પહેલગામના જંગલોમાં રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસનું એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં સેનાના હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નિફર ડોગ્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

લશ્કર-એ-તૈયબાના નવા મોરચા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં હાફિઝ સઈદનો નજીકનો સાથી અને લશ્કરનો નાયબ ચીફ સૈફુલ્લાહ ખાલિદ ઉર્ફે સૈફુલ્લાહ કસૂરીની સંડોવણી હોવાનું જાણવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના ISI અધિકારીઓ સાથે પણ ગાઢ સંબંધો છે.