November 22, 2024

Nawaz Sharif 25 વર્ષ બાદ સ્વીકાર્યું, ‘Pakistaniની ભૂલના કારણે કારગિલ યુદ્ધ થયું…’

પાકિસ્તાની સેનાની આ ઘૂસણખોરીને કારણે કારગિલ યુદ્ધ થયું હતું.

Lahore Declaration: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે પાકિસ્તાને 1999ના લાહોર કરારનું ઉલ્લંઘન કર્યું હતું. આ કરાર પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ હસ્તાક્ષર કર્યા હતા. કારગીલમાં જનરલ પરવેઝ મુશર્રફના ઘૂસણખોરીનો આડકતરો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “તે અમારી ભૂલ હતી.”

પાકિસ્તાનના પૂર્વ પીએમ શરીફે પોતાની પાર્ટીની એક બેઠકમાં સ્વીકાર્યું કે, “28 મે, 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તે પછી વાજપેયી સાહેબે અહીં આવીને અમારી સાથે કરાર કર્યો હતો પરંતુ અમે તે કરારનું ઉલ્લંઘન કર્યું હતું. .. તે અમારી ભૂલ હતી.”

લાહોર કરાર શું છે?
લાહોર સમજૂતી બે યુદ્ધરત પાડોશીઓ વચ્ચેનો શાંતિ કરાર, શાંતિ અને સલામતી જાળવવા અને અન્ય બાબતોની સાથે-સાથે બંને દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે નવાઝ શરીફના કહેવા મુજબ પાકિસ્તાને થોડા સમય બાદ કારગીલમાં ઘૂસણખોરી કરીને તેનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેનાની આ ઘૂસણખોરીને કારણે કારગિલ યુદ્ધ થયું હતું.

આ પણ વાંચો: ભારતીય જવાનોની તાકાત સામે ચીની સૈનિકો ઢેર, રસ્સાખેંચમાં ‘દેસી વીરો’નો દબદબો

પાકિસ્તાનના તત્કાલિન આર્મી ચીફ પરવેઝ મુશર્રફે માર્ચ 1999માં પોતાની સેનાને ગુપ્ત રીતે જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં ઘૂસણખોરી કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ભારતને આ ઘૂસણખોરીની જાણ થઈ ત્યારે મોટા પાયે યુદ્ધ છેડાયું હતું. નવાઝ શરીફ વડાપ્રધાન હતા ત્યારે ભારત યુદ્ધ જીત્યું હતું.

તેમણે તેમના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) અથવા પીએમએલએનની બેઠકમાં જણાવ્યું હતું કે, “પ્રમુખ બિલ ક્લિન્ટને પાકિસ્તાનને પરમાણુ પરીક્ષણો કરવાથી રોકવા માટે પાંચ અબજ યુએસ ડોલરની ઓફર કરી હતી, પરંતુ મેં તેનો ઇનકાર કર્યો હતો.” ઈમરાન ખાન પર નિશાન સાધતા તેમણે કહ્યું, “જો (પૂર્વ વડાપ્રધાન) ઈમરાન જેવા લોકો મારી સીટ પર હોત તો તેઓએ ક્લિન્ટનની ઓફર સ્વીકારી હોત.”

પનામા પેપર્સ કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફને પીએમ પદ છોડવું પડ્યું હતું. બાદમાં તેમણે બ્રિટનમાં શિફ્ટ થવું પડ્યું. છ વર્ષ બાદ મંગળવારે તેઓ પીએમએલ-એનના ‘નિર્વિરોધ’ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. નવાઝે તેમની સામેના તમામ કેસોને ખોટા ગણાવ્યા, જેના કારણે તેમને 2017માં વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમને પીએમ પદ પરથી હટાવવામાં આવ્યા જેથી ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ ઈમરાન ખાનને સત્તામાં લાવી શકાય. તેમણે 2014માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા માટે આઈએસઆઈ ચીફ તરફથી મળેલા સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘જ્યારે મેં ના પાડી તો તેણે મારું ઉદાહરણ બનાવવાની ધમકી આપી હતી.’