January 4, 2025

પાકિસ્તાનની એવી ખરાબ પરિસ્થિતિ… હવે ખાવા માટે પણ લેવી પડે છે લોન!

Pakistan: પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક રીતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક રીતે પાકિસ્તાન ધીમે ધીમે વિનાશ તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનના શહેરી વિસ્તારોમાં લોકોની હાલત એવી છે કે લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે કામ કરવા પડે છે. પરંતુ તેમ છતાં તેમની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી. આ માહિતી એક સર્વેમાં સામે આવી છે. આ સર્વે પાકિસ્તાનના કુલ 11 શહેરોમાં રહેતા લોકો પર કરવામાં આવ્યો છે.

હાલમાં પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે શહેરી વિસ્તારના 74 ટકા લોકો પાસે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે પૈસા નથી. ઘણા લોકોને તેમના જરૂરી ખર્ચાઓને પહોંચી વળવા માટે એક કરતા વધુ નોકરી કરવાની ફરજ પડે છે. ઘણા લોકોને તેમના ખર્ચને પહોંચી વળવા પૈસા ઉધાર લેવા પડે છે.

સર્વે રિપોર્ટમાં શું છે?
પાકિસ્તાનમાં આ સ્થિતિ પલ્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેના રિપોર્ટથી સામે આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સર્વે આધારિત રિપોર્ટ દર્શાવ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાય ન્યૂઝે એક સર્વે રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં જે રીતે મોંઘવારી વધી છે. લોકોની આવક તે પ્રમાણમાં વધી નથી. જેના કારણે શહેરવાસીઓને અનેક મહત્વની બાબતોમાં કાપ મુકવો પડી રહ્યો છે. સર્વે અનુસાર, મે 2023માં લગભગ 60 ટકા લોકો માનતા હતા કે તેઓ મોંઘવારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. 2024માં આવા લોકોની સંખ્યા 14 ટકા વધીને 74 ટકા થઈ ગઈ છે.

લોકોને બે-બે નોકરી કરવી પડે છે
મીડિયા રિપોર્ટમાં સર્વેને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં શહેરી લોકોને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે બે કામ કરવા પડે છે. સર્વે અનુસાર, પાકિસ્તાનની 24 કરોડની વસ્તીમાંથી અડધાથી વધુ લોકો બચત કરવામાં અસમર્થ છે. તેઓ ગમે તેટલી કમાણી કરે, દેશની 56 ટકા વસ્તી તેમના ખર્ચાઓનું સંચાલન કરવામાં અસમર્થ છે. તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા પછી પણ તેમની પાસે બચત કરવા માટે ભાગ્યે જ પૈસા બચ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ-કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન, 1 કરોડનો ગાંજો જપ્ત

કેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો?
પલ્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા કરવામાં આવેલ સર્વે પાકિસ્તાનના 11 શહેરોમાં કરવામાં આવ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ 2024 વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 1,110 લોકોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સર્વે 18 થી 55 વર્ષની વયના લોકોમાં કરવામાં આવ્યો છે. પલ્સ કન્સલ્ટન્ટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેના સહભાગીઓનો ફોન પર ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો. આ વાતચીતના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનનું દેવું વધી રહ્યું છે
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી લોન પર નિર્ભર રહેવું પડે છે. આ જ કારણ છે કે પાકિસ્તાન પર વૈશ્વિક દેવું સતત વધી રહ્યું છે. જેના કારણે હવે કોઈ અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા તેમને નાણાં ઉછીના આપતી નથી. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં જણાવ્યું હતું કે લગભગ 16 વર્ષમાં પાકિસ્તાનનું જાહેર દેવું 61.4 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે.