February 19, 2025

પાકિસ્તાનના કરાચીમાં ખતરનાક બીમારીનો પગપેસારો! કેસમાં થયો વધારો

Pakistan: પાકિસ્તાનના કરાચીમાં સિંધ આરોગ્ય વિભાગે કરાચીમાં શ્વસન રોગોમાં ચિંતાજનક વધારો થયો હોવાનું જાહેર કર્યું છે. 2025ના ડેટા અનુસાર આ વર્ષે 13 ફેબ્રુઆરી સુધીમાં શ્વસન રોગોના કુલ 248 કેસ નોંધાયા છે, જે આરોગ્ય અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે. આમાંથી H1N1 ઈન્ફલ્યુએન્ઝાના કેસોની સંખ્યા સૌથી વધુ છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ આ વર્ષે કરાચીમાં H1N1 ઈન્ફલ્યુએન્ઝાના 119 કેસ નોંધાયા છે જે સૌથી વધુ છે. આ ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા A અને B ના 95 કેસોની પણ પુષ્ટિ થઈ છે.

હોસ્પિટલોમાં નોંધાયેલા કેસોની સંખ્યા
પાકિસ્તાનના કરાચીમાં ખાનગી હોસ્પિટલોમાં 99 કેસ નોંધાયા હતા. આમાંથી 20 કેસ ફક્ત ડાઉ યુનિવર્સિટી હોસ્પિટલમાં જ જોવા મળ્યા છે. આ ઉપરાંત કોરોનાવાયરસના 8 કેસ, રાઇનોવાયરસના 15 કેસ અને રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (RSV) ના 2 કેસ પણ નોંધાયા છે.

આરોગ્ય નિષ્ણાતોની સલાહ
આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય શ્વસન રોગોથી બચવા માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવાની અને હાથ ધોવાની સલાહ આપી છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિથી બીજામાં સરળતાથી ફેલાય છે, તેથી સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. ચેપગ્રસ્ત લોકોને 24 કલાક ઘરે રહેવાની અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરવાની અને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે.

સિંધ આરોગ્ય વિભાગે ઈન્ફલ્યુએન્ઝા સામે રસીકરણને સૌથી મહત્વપૂર્ણ રક્ષણાત્મક પગલાં તરીકે વર્ણવ્યું છે. નાગરિકોને રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવી છે જેથી તેઓ પોતાને અને તેમના પરિવારને આ રોગથી બચાવી શકે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ! શેખ હસીનાને સત્તા પરથી દૂર કરનારાઓએ મોહમ્મદ યુનુસને આપ્યું અલ્ટીમેટમ

કરાચીમાં શ્વસન રોગોના કેસ વધી રહ્યા છે
કરાચીમાં શ્વસન રોગોના વધતા જતા કેસોએ આરોગ્ય અધિકારીઓને સતર્ક કર્યા છે. નાગરિકોએ આરોગ્ય નિષ્ણાતોની સલાહનું પાલન કરવું જોઈએ અને પોતાને બચાવવા માટે ઈન્ફલ્યુએન્ઝા સામે રસી લેવી જોઈએ. આ રોગોથી બચવા માટે સાવધાની અને યોગ્ય પગલાં લેવા જોઈએ.