June 28, 2024

Pakistanની સંસદમાં ભારતીય ચૂંટણીના વખાણ, સાંસદે કહ્યું – અહીં ક્યારે આ રીતે ચૂંટણી થશે?

નવી દિલ્હીઃ ઈમરાન ખાનની પાર્ટીના સાંસદ શિબલી ફરાઝે પાકિસ્તાની સંસદમાં ભારતમાં યોજાયેલી ચૂંટણીની પ્રશંસા કરી છે. તેમણે બુધવારે કહ્યું કે, બધા જાણે છે કે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી, પરંતુ આપણા પાડોશી દેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી. આજે કોઈ એવું ન કહી શકે કે તેમાં ધાંધલ ધમાલ થઈ હતી.

તેમણે કહ્યું કે, ભારતમાં 80 કરોડ લોકોએ મતદાન કર્યું છે. મતદાન માટે ત્યાં લાખો મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. એક વ્યક્તિ માટે મતદાન કેન્દ્ર પણ હતું. ભારતમાં સમગ્ર ચૂંટણી EVM દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે એક મહિનાથી વધુ સમય સુધી ચાલી હતી.

આ પણ વાંચોઃ કુવૈત આગમાં ભડથું થયેલા 45 ભારતીયોના મૃતદેહ સાથે હર્ક્યુલસ વિમાન ભારત આવવા રવાના

શિબલી ફરાઝે તેમની સરકારને પૂછ્યું – શું ભારતની ચૂંટણીના પરિણામો અંગે હજુ સુધી એક પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે? ત્યાંના તમામ પક્ષોએ ચૂંટણી નિષ્પક્ષ હોવાનો વાત કરી છે. તેમણે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું પાકિસ્તાનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ધાંધલ ધમાલ વગર ચૂંટણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈમરાન ખાનની પાર્ટીનો પરાજય થયો હતો.

શિબલી ફરાઝે સંસદના અધ્યક્ષ સરદાર સાદિકને કહ્યું કે, અમે પણ પાકિસ્તાનમાં નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છીએ છીએ. જ્યારે અહીં ચૂંટણીઓ યોજાય છે, ત્યારે ન તો હારનાર પક્ષ અને ન તો જીતનાર પક્ષ તેના પરિણામો સ્વીકારે છે. આ પ્રકારની બાબતોએ આપણી રાજનૈતિક વ્યવસ્થાને સંપૂર્ણ રીતે પોકળ બનાવી દીધી છે.