પાણીના એક-એક ટીપાં માટે તરસશે પાકિસ્તાનઃ જળશક્તિ મંત્રી પાટીલ

Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને લોકોની ક્રૂર હત્યા બાદ, કેન્દ્રની મોદી સરકાર સતત પાકિસ્તાન પર એક્શન લઇ રહી છે. સિંધુ જળસંધિ મુદ્દે આજે અમિત શાહના ઘરે બેઠક મળી હતી. આ બેઠકમાં જળશક્તિ મંત્રી અને વિદેશમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠક બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું કે, આ બેઠકમાં સિંધુ જળસંધિ રદ કર્યા બાદની રણનીતિ અંગે ચર્ચા થઇ. પાટીલે વધુમાં કહ્યું કે, પાણીના એક-એક ટીપાં માટે પાકિસ્તાન તરસશે. પાકિસ્તાનને પાણી ન મળે તે જ અમારો ઉદ્દેશ છે. પાકિસ્તાનમાં જલ્દી જ અસર દેખાશે. વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ પ્લાન પર કામ કરી રહ્યા છીએ. શોર્ટ ટર્મ, લોન્ગ ટર્મ, મીડ ટર્મવાળો પ્લાન. નોંધનીય છે કે, પીએમ મોદીના નેતૃત્વમાં CCSની બેઠકમાં 5 નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં સિંધુ જળસંધિ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ CCS બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાની નાગરિકોના વિઝા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ, 2025થી રદ કરવામાં આવશે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હાલમાં ભારતમાં રહેલા તમામ પાકિસ્તાનીઓએ તેમના સુધારેલા વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં ભારત છોડી દેવું જોઈએ.