એક વર્ષમાં પાલનપુર શહેર વીજપોલ વિનાનું થશે, 120 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન પ્રોજેક્ટ હાથ ધરાયો
રતનસિંહ ઠાકોર, પાલનપુર: બનાસકાંઠાનું પાલનપુર આવતા વર્ષે વીજપોલ વિનાનું બની જશે. 120 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈન પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને જેનું ડોક્ટર હાઉસના કેટલાક વિસ્તારના ફીડરમાં પાવર સપ્લાયની ટેસ્ટિંગની પ્રક્રિયા પણ કરાઇ છે. જોકે આ પાવર સપ્લાય જનરેટ સફળ રીતે થયો છે. ત્યારે એક વર્ષમાં આખું પાલનપુર શહેર વીજપોલ વિનાનું થઈ જશે અને જેને લઈને અનેક ફાયદાઓ પણ શહેરને થવાના છે.
ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર શહેરમાં 120 કરોડના ખર્ચે વીજ કંપનીની તમામ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શહેરના હાઇવે ફીડરમાં અનેક સ્થળોએ અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં થાય છે. ત્યારે રવિવારે ડોક્ટર હાઉસ વિસ્તારમાં યુનિટની ટેસ્ટિંગ પ્રક્રિયામાં પાવર સપ્લાયનું પરીક્ષણ કરાયું હતું અને એક વર્ષમાં આખા શહેરને વિજપોલ વિનાનું બનાવી દેવાનો પ્રોજેક્ટ છે. જોકે પાલનપુર શહેરના ડોક્ટર હાઉસના વીસ્તારોમાં જુદા જુદા ફીડરને સાંકલી 11 કેવી હેવી વીજ લાઈનને જમીનમાં એચડી પાઇપ લાઈન દ્વારા અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ ડીપીના સ્ટેન્ડ પણ બનાવી દેવાયા છે. ત્યારે સરકારના આ પ્રોજેક્ટ થકી શહેરીજનોને અનેક ફાયદા થવાના છે.
વાવાઝોડાની કારણે વરસાદને કારણે અને ભારે પવનને કારણે વીજપોલને નુકસાન થતું હતું. જે ખુલ્લા વાયર છે તેનાથી માનવ મોત અને પશુ મોત પણ થતા હતા. ત્યારે હવે આ આખી લાઈન અંડરગ્રાઉન્ડ થવાથી ક્યાંય વીજપોલ ધરાશાય નહીં થાય કે ક્યાંય જીવતા વાયર નીચે પડશે નહીં. સૌથી મોટો ફાયદો એ થશે કે પહેલા ફોલ્ટ થતો અને ટ્રાન્સફોર્મર બંધ થતાં એટલે આખા વિસ્તારમાં લાઈટ જતી રહેતી, પરંતુ હવે અંડર ગ્રાઉન્ડ લાઈનથી જ્યારે ફોલ્ટ આવશે ત્યારે માત્ર જે તે યુનિટથી જોડાયેલા ગ્રાહકોને જ ઇફેક્ટ થશે. આમ પશુ-પક્ષી અને માનવ માટે પણ આ પ્રોજેક્ટ ફાયદા કારક છે.