October 5, 2024

Panchmahal : વિવાદમાં ‘ફતેહ’સિંહ, પહેલા વિફર્યા પછી વળ્યા

PANCHMAHAL - NEWSCAPITAL

ધર્મ સંસ્થાનો અને ધર્મ ગુરુઓ પર ટિપ્પણી કરવા માટે જાણીતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એકવાર વિવાદિત ટિપ્પણીને લીધે ચર્ચામાં આવ્યા છે. એક કાર્યક્રમમાં વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે ધારાસભ્યએ જાહેરમાં વિવાદિત ટિપ્પણી કરી હતી.

જલારામ બાપા સંત હતા પરંતુ લોકોએ ભગવાન બનાવ્યા – ધારાસભ્ય 

વાયરલ વિડીયો મુજબ, એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કહ્યું હતું કે, જલારામ બાપા સંત હતા, પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધાં. વધુમાં તેમણે શિરડીના સાંઈબાબા પર પણ વિવાદિત ટીપ્પણી કરતાં કહ્યું કે, સાંઈબાબા મુસ્લિમ છે. જોકે ફતેસિંહ ચૌહાણે તરત માફી પણ માગી લીધી હતી.

વિડીયો વાયરલ થતાં માફી માંગી

ફતેસિંહ ચૌહાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. વિડીયો વાયરલ થતાં ફતેસિંહ ચૌહાણે આ મામલે માફી માગતાં કહ્યું કે, કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. વાયરલ થયેલા વિડીયો સાથે છેડછાડ કરાઈ છે અને વિડીયો અડધો જ મૂકવામાં આવ્યો છે, જો પૂરો વીડિયો જોશો તો સમગ્ર વાતનો ખ્યાલ આવશે. વધુમાં તેમણે કહ્યું કે, હું ચુસ્ત સનાતની છું અને કોઈ પણ સમાજ માટે હું ખોટું ન બોલી શકું.

આ પણ વાંચો : Amreli : યુવતીના અપહરણ મામલામાં વિધર્મી યુવકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો

અગાઉ સ્વામિનારાયણ સંસ્થા વિશે પણ ટિપ્પણી કરી હતી

ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે અગાઉ સ્વામિનારાયણ સંસ્થા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ત્યાં ધર્મનું કોઈ જ્ઞાન નથી. સંપ્રદાયના અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે અને વ્યભિચારી સંતો મીડિયામાં આવતાં રહે છે.