December 30, 2024

ઓનલાઇન ગેમિંગની લાલચ આપી આર્થિક લાભ મેળવનારા ત્રણ આરોપીની ધરપકડ

પંચમહાલઃ ઓનલાઈન ગેમ એપ્લિકેશન નામે લોભામણા વીડિયો બનાવી જાહેર જનતાને ઓનલાઇન ગેમ રમવા દુષ્પ્રેરીત કરી આર્થિક લાભ મેળવનારા ત્રણ પરપ્રાંતિય આરોપીઓને હાલોલમાંથી ઝડપી લેવામાં એસઓજીને સફળતા મળી છે. એસઓજીએ આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ મળી કુલ 2.35 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. એસઓજી દ્વારા આરોપીઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનઓથોરાઇઝ ચાઈનીઝ ગેમ એપ્લિકેશનથી ઠગાઈ કરતા એક યુવકે ‘આઈ એમ લોકેડ’ લખેલી ટી શર્ટ પહેરી હતી. આ યુવક સાચે જ પોલીસ હીરાસતમાં આવી જતાં તેના ફ્યૂઝ ઉડી ગયા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી થતા સાયબર ફ્રોડ અટકાવવા માટે પંચમહાલ પોલીસ સક્રિય છે. એસઓજી પીઆઇ આરએ પટેલને હાલોલમાં એક કોમ્પ્લેક્ષમાં ત્રણ પર યુવકો ઓનલાઈન ગેમ રમવા માટે ઇન્સ્ટા આઈડીના ફોલોઅર્સને લોભામણા વીડિયો મોકલી દુષ્પ્રેરિત કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે એસઓજી ટીમે હાલોલના ગોધરા રોડ સન સીટી સોસાયટીની સામે આવેલા સન ઇન્કલીવ કોમ્પ્લેક્ષમાં તપાસ કરી હતી.

આ દરમિયાન ઓફીસમાં ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતાં પ્રશ્નજીત બુધ્ધી સરકાર, પ્રવિણસિંહ સુભાષસિંહ અવધ્યાકુર્મી, દુર્ગાપ્રસાદ રંગીલાલ ભારતી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય યુવકોની અંગ ઝડતી કરતાં પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઇલ ફોન ચેક કરતા તેમના ફોનમાંથી BDG, TIRANGA વિગેરે જેવી અનઓથોરાઇઝ ગેમ એપ્લિકેશન મળી આવી હતી. ત્રણેયની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં પોતે આ ગેમના પ્રમોશન કરતા વીડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની ઓફિસમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટરમાં ચેક કરતાં BDG, TIRANGA વિગેરે જેવી એપ્લિકેશનના પ્રમોશનના વીડિયો ફાઈલ મળી આવી હતી. જેથી પોલીસે 2.35 લાખનો મુદ્દામાલ તપાસ માટે કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી?
આરોપીઓની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાથી તેમણે BDG, TIRANGA વગેરે એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખૂબ મોટાપાયે રૂપિયા મેળવ્યા છે અને આ એપ્લિકેશનના ઉપયોગથી તમે પણ પૈસા મેળવી શકો છો. તેવા લોભામણા વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરે છે. આ વીડિયો જોઈને ફોલોઅર્સ પ્રભાવમાં આવી રૂપિયા કમાવવાની લાલચમાં આવી ગેમ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરી અને એપ્લિકેશનમાં રિચાર્જ કરી જુદા જુદા પ્રકારની ગેમ ઓફ ચાન્સ તથા કલર પ્રિડિક્શન જેવી પૈસાની હારજીતની રમતો રમતા હોય છે. આ દરમિયાન આરોપીઓને સીધા કમિશનથી જ પૈસા મળી જાય છે અને ફોલોઅર્સ સાથે ઠગાઈ કરે છે.