December 27, 2024

પંકજ ત્રિપાઠીની બહેનનું થયું એક્સિડન્ટ, બનેવીનું નિધન

અમદાવાદ: બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પંકજ ત્રિપાઠીની બહેન અને બનેલી રોડ અકસ્માતનો ભોગ બન્યા છે. આ ભયાનક અકસ્માતમાં પંકજ ત્રિપાઠીના બનેવીનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની બહેન ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માત ધનબાદના જીટી રોડ સ્થિત નિરસામાં થયો હતો. અકસ્માતમાં ઘાયલ બહેન સારવાર હેઠળ છે.

બહેન હોસ્પિટલમાં દાખલ
પંકજ ત્રિપાઠીની બહેનને ધનબાદની SNMMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તે જ સમયે હોસ્પિટલ પહોંચેલા સંબંધીઓએ જણાવ્યું કે પંકજ ત્રિપાઠીની બહેન અને બનેલી સ્વિફ્ટ કારમાં ગોપાલગંજથી કોલકાતા જઈ રહ્યા હતા. કારને નિરસા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં અભિનેતાના બનેવીનું મૃત્યુ થયું હતું અને બહેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અગ્નિહોત્ર ઉપાસના એ સંયમની સાધના છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પરિવારના સભ્યો પાસેથી આ માહિતી મળી
મળતી માહિતી મુજબ, પંકજ ત્રિપાઠીના બનેવી મુન્ના તિવારી પોતે કાર ચલાવી રહ્યો હતો અને તેની સાથે તેની પત્ની સરિતા પણ બેઠી હતી. મૃતકના સંબંધી સુજીત તિવારીએ કહ્યું, ‘જ્યારે અમને રોડ એક્સિડન્ટની જાણ થઈ. અમે તરત જ હોસ્પિટલ પહોંચ્યા.’ નોંધનીય છે કે, પંકજ ત્રિપાઠી પણ બહુ જલ્દી ધનબાદ પહોંચવાના હોવાનું કહેવાય છે. તે તેની બહેનની સંભાળ રાખવા માટે તેના પરિવાર સાથે ત્યાં જશે.

પંકજ ત્રિપાઠીના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘મર્ડર મુબારક’માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ એક મર્ડર મિસ્ટ્રી છે, જેમાં કરિશ્મા કપૂર, સારા અલી ખાન, વિજય વર્મા, ટિસ્કા ચોપરા અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મને બહુ પ્રતિસાદ મળ્યો નથી. આ સિવાય પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મ ‘સ્ત્રી 2’ છે. તે આ વર્ષે રિલીઝ થઈ શકે છે.