વકફ સુધારા કાયદાને JPCની મંજૂરી, વિપક્ષના સુધારા ફગાવ્યાં
નવી દિલ્હીઃ વકફ બિલ પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિએ બિલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાંસદો દ્વારા સૂચવવામાં આવેલા ઘણા સૂચનોને સ્વીકારી લીધા છે. જો કે, વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે તેમના સૂચનોને ફગાવી દેવામાં આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે, તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. મીડિયા સાથે વાત કરતી વખતે સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારો વધુ સારા અને અસરકારક કાયદામાં પરિણમશે.
વિપક્ષનો આરોપ
વિપક્ષના સાંસદોએ જેપીસીની બેઠકો પર લોકતાંત્રિક પ્રક્રિયાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસી સાંસદ અને જેપીસી સભ્ય કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે જેપીસીની બેઠક દરમિયાન તેમનું સાંભળવામાં આવ્યું ન હતું અને જગદંબિકા પાલ સરમુખત્યારશાહી રીતે વર્તી રહ્યા હતા. તેમણે સમગ્ર પ્રક્રિયાને હાસ્યાસ્પદ ગણાવી હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, તેમણે જે નક્કી કર્યું હતું તે નક્કી કર્યું. લોકશાહીના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. જો કે, જગદંબિકા પાલે વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા લોકતાંત્રિક રીતે કરવામાં આવી હતી અને બહુમતીના આધારે નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જેપીસીમાં 14 સુધારાને સ્વીકારવામાં આવ્યા
જેપીસીના પ્રમુખ જગદંબિકા પાલે જેપીસીની બેઠક બાદ કહ્યું કે, આ અમારી છેલ્લી બેઠક હતી. જેપીસીની બેઠકોમાં 44 સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી. અમે તમામ સભ્યો પાસેથી સૂચિત સુધારાઓ માટે કહ્યું હતું. સમિતિએ બહુમતીના આધારે 14 સુધારા સ્વીકાર્યા છે. વિપક્ષે પણ કેટલાક સુધારા સૂચવ્યા હતા, પરંતુ જ્યારે તે મતદાન માટે મૂકવામાં આવ્યા હતા, ત્યારે બહુમતીના આધારે તે નામંજૂર કરવામાં આવ્યા હતા. જેપીસીના સભ્ય સાંસદ અપરાજિતા સારંગીએ જણાવ્યું હતું કે, જેપીસીની બેઠકો સંપૂર્ણ લોકતાંત્રિક રીતે યોજાઈ હતી. દરેકને બોલવાની તક આપવામાં આવી. બિલ પર 108 કલાક ચર્ચા થઈ અને 284 હિતધારકો સાથે વાત કરવામાં આવી હતી. કમિટીએ અલગ-અલગ રાજ્યોમાં જઈને એવા સંગઠનોના સભ્યો સાથે બિલ પર ચર્ચા કરી કે જેમના લોકો દિલ્હી આવી શક્યા નથી.
વિપક્ષનો આરોપ – બિલ પર ચર્ચા કરવાને બદલે માત્ર વોટિંગ થયું
કોંગ્રેસના સાંસદ નાસિર હુસૈને દાવો કર્યો કે, 95-98 ટકા હિતધારકોએ બિલનો વિરોધ કર્યો હતો. તેમજ બિલના વિભાગોની ચર્ચા કરવામાં આવી ન હતી અને પક્ષકારોને સાંભળ્યા વિના સુધારા પર મતદાન કરવામાં આવ્યું હતું. કોઈ ચર્ચા થઈ ન હતી. શિવસેના યુબીટી સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, બિલની દરેક કલમ પર જેપીસીની બેઠકોમાં ચર્ચા થવી જોઈતી હતી, પરંતુ એવું થયું નહીં. માત્ર સુધારા પર મતદાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિલનો અંતિમ ડ્રાફ્ટ 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે, અમે તેને વાંચીશું અને જોઈશું કે શું કરવું, પરંતુ અમૃત વર્ષમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે.