November 21, 2024

અમદાવાદમાં ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ

parshottam rupala kshtriya community bjp politicians meeting

ફાઇલ

અમદાવાદઃ ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવનમાં ભાજપના નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળેલી બેઠક પડી ભાંગી છે. બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ક્ષત્રિય સમાજ ટસનો મસ થવાના મૂડમાં નથી. સમાજના આગેવાનો સતત પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે.

રૂપાલાને ચૂંટણી પંચે ક્લિનચીટ આપી
ક્ષત્રિય સમાજે રાજકોટના ઇલેક્શન કમિશન સામે વિવાદાસ્પદ નિવેદન અંગે ફરિયાદ કરી હતી. સમાજના અપમાન મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ કલેક્ટરે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કલેક્ટરે ચૂંટણી અધિકારી સાથે મળીને તપાસ ચાલુ કરી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપવામાં આવી છે. ગઈકાલે રાજકોટના કલેક્ટરે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં રિલેજન્યનો ભંગ ન થયો હોવાનું જણાવીને ક્લિનચીટ આપી છે.

આ સ્લિપ ઓફ ટંગ નહોતુંઃ તૃપ્તિબા રાઓલ
રાજપૂત સમાજના મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલ જણાવે છે કે, ‘આ કોઈ સ્લિપ ઓફ ટંગ નહોતું. અમારી અસ્મિતાની વાત છે. નેતાઓને કહેવાયું કે, આ અસ્મિતાનો સવાલ છે. રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ એવું માની લેશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી. આખા ભારતવર્ષના રાજપૂતો જાગી ચૂક્યાં છે. અમારું રાજકીય અસ્તિત્વ પણ ઓછું થઈ રહ્યું છે.’

આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી

પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠકમાં થયેલી વાતચીત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ‘ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને CMની હાજરીમાં ગઈકાલે બેઠક થઈ હતી. અમને સંકલન સમિતી સાથે બેઠક કરવા જણાવ્યું હતું. જેથી આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી. કોર કમિટી સમક્ષ અમે અમારી માગ મૂકી છે. રૂપાલાએ ઉચ્ચારણ બાદ અડધા કલાકમાં માફી માગી હતી. ગોંડલમાં પણ રૂપાલાએ માફી માગી હતી. ગઈકાલે પ્રદેશ અધ્યક્ષે પણ માફ કરવા વિનંતી કરી હતી. આ જ વાત અમે કોર કમિટીમાં પણ રજૂ કરી.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી

સીઆર પાટીલે બે હાથ જોડી માફી માગી હતી
ગઈકાલે પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અંગે ગાંધીનગર સ્થિત સીઆર પાટીલના નિવાસસ્થાને પૂર્વ ક્ષત્રિય મંત્રીઓ, હાલના ક્ષત્રિય મંત્રીઓ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. તેમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સીઆર પાટીલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.

ક્ષત્રિય મહિલાઓ પણ આ મામલે મેદાને
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે.