પાસપોર્ટ કૌભાંડ કેસમાં CBIનું મોટું એક્શન, 32 અધિકારીઓ-એજન્ટો વિરુદ્ધ કેસ દાખલ
Mumbai: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શનિવારે મહારાષ્ટ્રમાં 33 સ્થળોએ દરોડા પાડયા હતા. તગડી લાંચ લઈને સંદિગ્ધ પાસપોર્ટ ઇસ્યુ કરવાના આરોપોમાં 32 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક અધિકારીએ મુંબઈથી આ માહિતી આપી છે. CBIએ એક પ્રેસનોટ જાહેર કરીને કહ્યું છે કે આ મામલે ફરિયાદ મળી હતી. ત્યારબાદ, તપાસ એજન્સીએ નાસિક ઉપરાંત મુંબઈના મલાડ અને લોઅર પરેલમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પાસપોર્ટ વિભાગના 14 અધિકારીઓ વિરુદ્ધ મુંબઈ અને નાસિકમાં 12 જેટલા કેસ દાખલ કર્યા છે.
CBI દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં 14 પાસપોર્ટ સહાયકો, PSKના સિનિયર પાસપોર્ટ સહાયકો અને બાકીના 18 એક્સટર્નલ ફેસિલિટેશન એજન્ટ્સ/બ્રોકર્સનો સમાવેશ થાય છે. આ તમામ સંયુક્ત રીતે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ ઉપરાંત મુંબઈની રિજીઓનલ પાસપોર્ટ ઓફિસ હેઠળ આવતા બંને શહેરોમાં 33 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. આ લોકોએ અપૂરતા/અપૂર્ણ દસ્તાવેજો સાથે શંકાસ્પદ પાસપોર્ટ ઇસ્યુ કરવા અથવા પાસપોર્ટ અરજદારોની અંગત વિગતો સાથે છેડછાડ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
ઓચિંતી તપાસમાં થયો ભ્રષ્ટાચારનો ખુલાસો
CBIની ટીમે વિદેશ મંત્રાલયના પાસપોર્ટ સેવા કાર્યક્રમ વિભાગના તકેદારી અધિકારીઓ અને આરપીઓના અધિકારીઓ સાથે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 26 જૂને વિદેશ મંત્રાલયના વિજિલન્સ વિભાગ સાથે PSK ખાતે સંયુક્ત ઓચિંતી તપાસ દરમિયાન ભ્રષ્ટાચારની જાણ થઈ હતી. એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા ચેટ્સ અને યુપીઆઈ પેમેન્ટ્સના વિશ્લેષણમાં લાખો રૂપિયાના કેટલાક શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. વિદેશ મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ CBIએ અધિકારીઓ અને વચેટિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે. અધિકારીઓએ શનિવારે મુંબઈ અને નાસિકમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.