Patan @1279: પાટણના સ્થાપના દિવસની ઉજવણી, વીર રાજવીઓને શ્રદ્ધાંજલિ આપશે
પાટણઃ નગરના 1279મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત થનારા કાર્યક્રમો અંગે પાટણ નગરપાલિકામાં શોભાયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં કાર્યક્રમ અંગેની રૂપરેખા પત્રકારોને આપવામાં આવી હતી.
આજે 3જી માર્ચને રવિવારના રોજ પાટણ નગરનો સ્થાપના દિવસ હોવાથી સ્થાપના દિનની ઉજવણી ભવ્ય રીતે થાય તે માટે પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રવિવારે સવારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવી હતી. જેમાં વીર વનરાજ ચાવડા સહિતના વીર રાજવીઓને મહાનુભાવો પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
ત્યાં જ આજે બપોરે 2:00 વાગે નગરદેવી કાલિકા મંદિર ખાતેથી ભવ્ય શોભા યાત્રા નીકળશે. જેમાં વિવિધ સ્ટેટના રાજવીઓ નગરયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં વિવિધ શાળા અને સામાજિક સંસ્થાઓના ટેબલો પણ જોડાશે તો શોભાયાત્રાના માર્ગો ઉપર સિદ્ધિ ધમાલ નૃત્ય લોકોમાં આકર્ષણ જમાવશે. શોભાયાત્રા મુખ્ય માર્ગે ઉપર થઈ બગવાડા ચોક ખાતે સમાપન થશે. જ્યાં વીર વનરાજ ચાવડા અને સમ્રાટ સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાઓને માળા પણ પહેરાવશે. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજવીઓનું સન્માન કરશે તેમજ પાટણની ગૌરવ ગાથા અને ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતી વાતો કરાશે. સાંજે ઐતિહાસિક રાણીની વાવ ખાતે માયાભાઈ આહીરનો ભવ્ય લોક ડાયરો યોજાશે.
વનરાજ ચાવડાએ સ્થાપના કરી હતી
પાટણની સ્થાપના ચાવડા શાસક વનરાજે નવમી સદીમાં ‘અણહિલપુર પાટણ’ તરીકે કરી હતી. 10મી-13મી સદી દરમિયાન આ શહેર ચૌલુક્ય વંશની રાજધાની તરીકે સ્થાપિત હતુ અને ત્યારબાદ ચાવડા શાસનની સ્થાપના થઈ હતી. પાટણ 18મી સદીના મધ્યથી 1947માં ભારતની આઝાદી સુધી બરોડા રાજ્યનો ભાગ હતું.
પાટણના પટોળા દેશ-વિદેશમાં પ્રખ્યાત
પટોળા સાડી આજે ઉત્પાદિત હાથથી વણાયેલી શ્રેષ્ઠ સાડીઓમાંની એક છે. પાટણની આ એક વિશેષતા છે. તે અત્યંત નાજુક પેટર્ન માટે પ્રસિદ્ધ છે. તેને ખૂબ જ ચોકસાઈ અને સ્પષ્ટતા સાથે વણાયેલી છે. એક પટોળા સાડીને બનાવવામાં 4થી 6 મહિનાનો સમય લાગે છે. આ ઉપરાંત તેની ડિઝાઇન પર પણ સમયગાળો આધાર રાખે છે. આ સાડી અલગ અલગ કલરથી રંગાયેલી હોય છે. તેનો ભાવ 20,000થી 20 લાખ સુધીનો હોય છે. પટોળા સાડીઓ બનાવતા માત્ર બે જ પરિવાર છે. તેઓ પરિવારના અન્ય સભ્યોને આ કળા શીખવતા નથી. ફક્ત તેમના પુત્રો જ શીખવાને પાત્ર છે.