પાટણ APMCમાં રાયડાના 1000થી 1200ના ભાવ, ખેડૂતોમાં નારાજગી

પાટણ: પાટણ માર્કેટયાર્ડમાં વિવિધ ખેત પેદાશોની આવક શરૂ થતા માર્કેટયાર્ડ ધમધમવા લાગ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની સાડી આવી આવક થઈ રહી છે. રોજની 14000 જેટલી બોરીઓની આવક થઈ રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાયડાના ભાવમાં મણદીઠ 200 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો છે, છતાં પણ આ ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી.
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ વિવિધ રવિ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં રાયડાનું 26050 હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામી હતી. ગત વર્ષે 30075 હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું હતું, તેની સરખામણીએ ચાલુ વર્ષે રાયડાનું વાવેતર ઘટ્યું છે છતાં પણ ઉત્પાદન વધ્યું છે કારણ કે ચાલુ વર્ષે રાયડાને અનુકૂળ વાતાવરણ તેમજ રોગ અને જીવાત ત ન હોવાને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે. હાલમાં પાકની લણણી લીધા બાદ તેના વેચાણ માટે ખેડૂતો પાટણના માર્કેટ યાર્ડમાં પોતાનો પાક લાવી રહ્યા છે. જેને લઇ માર્કેટ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે.
માર્કેટયાર્ડમાં હાલમાં ખેડૂતો વિવિધ ખેત પેદાશો લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. ખાસ કરીને ચાલુ વર્ષે રાયડાના ઉત્પાદનમાં વધારો થયો હોવાથી માર્કેટયાર્ડમાં રાયડાની સારી એવી આવક થઈ રહી છે. ગત વર્ષે માર્કેટયાર્ડમાં રાયડાના મણદીઠ ભાવ 800થી 1140 સુધીના હતા. તેની સામે ચાલુ વર્ષે રાયડાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે રાયડાના ભાવમાં મણદીઠ 200નો વધારો નોંધાયો છે. રાયડાના મણદીઠ રૂ. 1000થી 1200ના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રાયડાની 14 હજાર બોરીની પ્રતિદિન આવક નોંધાઇ રહી છે.
પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ઉપર આધારીત છે. ચાલુ વર્ષે સારા વરસાદને કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું.હાલમાં પાકની લણણી લીધા બાદ તેના વેચાણ માટે ખેડૂતો પાટણના માર્કેટ યાર્ડમાં પોતાનો મોલ લાવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને રાયડાના પોષણ ક્ષમભાવ મળતા ન હોવાનો સુર ખેડૂતોએ વ્યક્ત કર્યો છે ખેડ ખાતર અને બિયારણ પાછળ એક વીઘા દીઠ ખેડૂતોને અંદાજે 15000 રૂપિયા જેટલો નો ખર્ચ થાય છે તેની સામે રાયડામાં ખેડૂતોને 1100થી 1,200ના ભાવ મળી રહ્યા છે તેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
પાટણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખેડની મજૂરી ચૂકવી હોશેહોશે રાયડાનું વાવેતર કર્યું હતું. રાયડાના ઉત્પાદન બાદ પણ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોષણક્ષમ ભાવ મળી રહે તેવો સુર વ્યક્ત કર્યો છે.