January 29, 2025

હારીજના વોર્ડ નંબર 1માં 4 વર્ષથી ભૂગર્ભ ગટર સહિત પીવાના પાણીની સમસ્યા, લોકો ત્રાહિમામ્

ભાવેશ ભોજક, પાટણઃ હારીજ નગરના વોર્ડ નંબર 1માં આવેલા ખેમાસણપરામાં છેલ્લા ચાર વર્ષથી ભૂગર્ભ ગટરની સમસ્યાથી તથા પીવાનું પાણી અનિયમિત અને દૂષિત આવતું હોવાથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેથી આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાઓ આપી શકે તેવા ઉમેદવારની ઈચ્છા સ્થાનિકો કરી રહ્યા છે.

હારીજમાં આગામી 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાના છ વોર્ડની ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત થઈ છે. ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તૈયારીઓમાં જોડાયા છે. તો બીજી તરફ હારીજમાં ઠેર ઠેર પ્રાથમિક સુવિધાઓનો આભાવ જોવા મળી રહ્યો છે. હારીજ નગરના વોર્ડ નંબર 1માં આવેલા ખેમાસણ પરામાં 600થી વધુ મકાનોમાં શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. છેલ્લા ચાર વર્ષથી આ પરામાં ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે.

ગટરના દૂષિત પાણી બારે મહિના માર્ગ ઉપર રેલાઈને વહેતા થાય છે. દૂષિત પાણીમાં મચ્છરોના ઉપદ્રવથી આ વિસ્તારના રહીશો અનેક બીમારીઓનો ભોગ પણ બને છે અનેકવારની રજૂઆતો છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. બીજી તરફ વરસાદી પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસામાં મકાનો આગળ કેડ સમા પાણી ભરાઈ જાય છે.

અહીં પીવાનું પાણી પણ દૂષિત આવે છે. પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વિસ્તારના રહીશો દ્વારા ચૂંટાયેલા સદસ્યો તેમજ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તેમની રજૂઆતોને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેથી ગટરોના દૂષિત પાણી અને પીવાના પાણીની સમસ્યાથી ખેમાસણ પરાના લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.